અગાઉના વર્ષોમાં વિશાળ ડોમમાં આયોજન થતું હતું પરંતુ આ વખતે ઓડિટોરિયમ નાનું પડતાં વિદ્યાર્થીઓએ બહાર આંટા ફેરા માર્યા
પ્રતિનિધિ ગોધરા તા.20
પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે શનિવારે સાતમો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્યકક્ષાના મંત્રીઓની ઉપસ્થિતિમાં તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે, યુનિવર્સિટીના ઇતિહાસમાં ભવ્ય ગણાતા આ કાર્યક્રમમાં આ વર્ષે બેઠક વ્યવસ્થા અને સ્થળ પસંદગીને લઈને વિદ્યાર્થીઓમાં કચવાટ જોવા મળ્યો હતો.
યુનિવર્સિટી દ્વારા આ વખતે પદવીદાન સમારોહનું આયોજન પરંપરાગત રીતે ખુલ્લા મેદાનમાં વિશાળ ડોમ બાંધવાને બદલે યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું. કુલ 21,626 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવાની હતી જેમાંથી 1684 જેટલા વિદ્યાર્થીઓએ રૂબરૂ ડિગ્રી લેવા માટે ફોર્મ ભર્યા હતા. પરંતુ ઓડિટોરિયમની ક્ષમતા ઓછી હોવાથી અને પ્રોટોકોલના કારણે મોટાભાગની બેઠકો યુનિવર્સિટી સ્ટાફ, 20 PhD વિદ્યાર્થીઓ, 51 ગોલ્ડ મેડાલિસ્ટ અને NCC ના વિદ્યાર્થીઓથી ભરાઈ ગઈ હતી.
પરિણામે, હોંશે-હોંશે ડિગ્રી લેવા આવેલા અનેક વિદ્યાર્થીઓને મુખ્ય હોલમાં પ્રવેશ મળ્યો ન હતો અને તેઓએ કાર્યક્રમ સમયે યુનિવર્સિટી બિલ્ડિંગના પરિસરમાં બહાર આંટાફેરા મારવા પડ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના પદવીદાન સમારોહમાં યુનિવર્સિટી દ્વારા વિશાળ વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવતા હતા. જ્યાં વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે સન્માનભેર બેસી શકતા હતા અને કાર્યક્રમ માણી શકતા હતા. પરંતુ આ વખતે બંધ બારણે ઓડિટોરિયમમાં સીમિત સંખ્યામાં આયોજન થતા, દૂર-દૂરથી આવેલા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વ્યવસ્થાને લઈને ગણગણાટ શરૂ થયો હતો. વિદ્યાર્થીઓના મતે, ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવવા છતાં પૂરતી બેઠક વ્યવસ્થા ન મળતા તેઓમાં અસંતોષની લાગણી જન્મી હતી.રાજ્યના મહામહિમ રાજ્યપાલ જેવા ઉચ્ચ ગરિમા ધરાવતા મહેમાન ઉપસ્થિત હોવા છતાં, યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતા કાર્યક્રમની શોભામાં ઓટ આવી હતી
આ સમારોહમાં અધ્યક્ષ સ્થાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, તેમજ અતિથિ વિશેષ તરીકે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને કૃષિ રાજ્યમંત્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા.