Vadodara

શ્રાદ્ધ પર્વ નિમિત્તે સેંકડો ગૌ માતા-નંદીજી મહારાજને તૈયાર ભાણું પીરસાયું

33 કોટી દેવી-દેવતાઓનો વાસ ધરાવતી ગૌ માતા અને નંદીજી મહારાજની અનોખી સેવા

પિતૃ પર્વ દરમિયાન ભોજનનો વેડફાટ ના થાય તેની જવાબદારી આપણે સૌએ સ્વૈચ્છિક સ્વિકારવી જોઇએ – નીરવ ઠક્કર

વડોદરા, તા. 10

હાલ સ્વર્ગીય સ્વજનની આત્માની શાંતિ અર્થે, અને તેમના આશિર્વાદ પ્રાપ્ત કરવાના અર્થે પૂણ્યદાન કરવા માટે મહત્વનો ગણાતો શ્રાદ્ધ પર્વ ચાલી રહ્યો છે. દરમિયાન શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા સેંકડો ગૌ માતા-નંદીજી મહારાજને ડાઇનીંગ ટેબલ પર તૈયાર ભાણું પીરસીને ભોજન કરાવવામાં આવ્યું છે. આ તકે નીરવ ઠક્કરનું કહેવું છે કે, સ્વજનોની આત્માની શાંતિ અર્થે, અને તેમના આશિર્વાદ પ્રાપ્ત કરવાની સાથે ભોજનનો વેડફાટ અટકાવવો જરૂરી છે. જેથી જ્યાં પશુ આવવાની સંભાવના હોય ત્યાં જમવાનું મુકવાની જગ્યાએ મુંગા પશુના પેટમાં ભોજન જાય તેવા પ્રયત્નો કરવા પ્રેરવાનો અમારો આ પ્રયાસ છે. આ સેવાકાર્ય સ્વ. દિલીપ- પરેશ અશોક ચંદ શાહ સાર્વજનિક પાંજરાપોળ (કરજણ) ખાતે કરવામાં આવ્યું છે.

ઘરે જમીએ તેવી જ રીતે ડાઇનીંગ ટેબલ પર પીરસાયું

શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરવ ઠક્કરે જણાવ્યું કે, હાલ શ્રાદ્ધ પર્વ ચાલી રહ્યો છે. જેમાં લોકો પોતાના સ્વર્ગીય સ્વજનને યાદ કરીને તેમની પાછળ ભોજનસેવા કરાવી, તથા પૂણ્યદાન કરતા હોય છે. આ અવસરને ગૌ માતા અને નંદીજી મહારાજની સેવા સાથે જોડવા માટે અમે તૈયાર ભાણું ગૌ માતા અને નંદીજી મહારાજને ડાઇનીંગ ટેબલ પર પીરસ્યું છે. અમે ભાણામાં રોટલી, શાક, કઠોળ, દાળ, ભાત, મિષ્ઠાન અને ફળ મુક્યા છે. જેવી રીતે આપણે ઘરે જમીએ તે જ રીતે આ ભાણું તૈયાર કરીને સેંકડો ગૌ માતા-નંદીજીને જમાડવામાં આવ્યું છે.


પતરાડા અને પડીયામાં ભોજન પીરસ્યું



નીરવ ઠક્કરે વધુમાં જણાવ્યું કે, ગૌ માતા અને નંદીજી મહારાજને જમવામાં સહેજ પણ તકલીફ ના પડે તે માટે અમે વૃક્ષના પાનથી તૈયાર કરવામાં આવેલા પતરાડા અને પડીયામાં આ ભોજન પીરસ્યું છે. જેથી સ્વાદિષ્ટ ભોજન જમવાની સાથે તેઓ તેને પણ સરળતાથી જમી શકે. આ પ્રકારે ગૌ માતા અને નંદીજી મહારાજને તૈયાર કરેલું ભાણું જમાડવાનો અમારો પ્રથમ પ્રયાસ છે. સુખદ આશ્ચર્ય વચ્ચે ગૌ માતા-નંદીજી મહારાજે ભોજન સાથે, પતરાડા અને પડીયા પણ સફાચટ કરી નાંખ્યા હતા. આખું શ્રાદ્ધ પર્વ અને ત્યાર બાદ પણ અમે આ અનોખી રીતે ગૌ માતા અને નંદીજી મહારાજની સેવા ચાલુ જ રાખીશું.

આપણે નસીબદાર છીએ

નીરવ ઠક્કરે ઉમેર્યું કે, અમારા ધ્યાને આવ્યું કે, કેટલીક વખત જ્યાં પશુ આવવાની સંભાવના હોય ત્યાં લોકો સ્વર્ગીય સ્વજનને ભાવતું ભોજન મુકી દે છે. જે કેટલીક વખત અંતે વેડફાટમાં પરિણમે છે. મારૂ જવાબદારી પૂર્વક માનવું છે કે, આપણે નસીબદાર છીએ, કે આપણે ભાવતું ભોજન જમી શકીએ છીએ, અને જમાડી શકીએ છીએ. ત્યારે ભોજનનો વેડફાટ ના થાય તેવી જવાબદારી આપણે સ્વૈચ્છિક રીતે સ્વિકારી લઇએ તો, પૂણ્યકાર્ય કોઇ પણ પ્રકારના વેડફાટ સિવાય પૂર્ણ થઇ શકે છે.

અનેકગણું થઇને આશિર્વાદ સ્વરૂપે પાછું આવે

નીરવ ઠક્કરે અંતમાં ઉમેર્યું કે, આ વખતે શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા કાગડા ભોજનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અમારી ટીમ વહેલી સવારે અને સાંજના સમયે જ્યાં ખરેખર ભૂખ્યા કાગડાઓની મોટી સંખ્યમાં હાજરી જોવા મળે છે, ત્યાં જઇને વિવિધ ધાન્ય, ડ્રાઇફ્રુટ, સેવ સહિતની ભોજન સામગ્રી તેમને પીરસે છે. કાગડાઓને પિતૃઓના સંદેશા વાહક માનવામાં આવે છે. શ્રાદ્ધ પર્વ દરમિયાન કાગડાઓને કરાવેલું પિતૃ નિમિત્તનું ભોજન અનેકગણું થઇને આશિર્વાદ સ્વરૂપે પાછું આવે છે, તેવી પ્રબળ લોક માન્યતા છે.

Most Popular

To Top