Business

શ્રાદ્ધની ઋષિ કલ્પના વિચારવા જેવી છે

 વ્યકિતના મૃત્યુ પછીથી તેમને નિમિત્તે શ્રાદ્ધ થાય છે. શ્રાદ્ધ પાછળની મૂળ કલ્પના તો મરનાર વ્યકિતનો સારો વિચાર જો પૂરો થયો ન હોય તો તેને પૂરો કરવો એ છે. જીવનમાં વ્યકિત ઘણું મેળવી જાય છે પરંતુ જે સમાજમાંથી તેણે મેળવ્યું તેને માટે કંઇ કરી જવાની ગણતરી તેણે શ્રાદ્ધ સાથે જોડેલી છે. એક નાનું ગામ છે તેમાં વેળાસર વર્તમાનપત્રો ન આવે અને આવે તો એકાદ બે ઘરે જ આવે તેથી લોકો ત્યાંથી વાંચવા લઇ જાય અને વાંચીને પાછા તે ઘરે આપી જાય.

બે ત્રણ ઘરે જ ધાર્મિક સામયિકો આવે તેને વાંચનારા  તો ઘણાં બધાં. આ સ્થિતિ જોઇને એક વડીલે વિચાર કર્યો કે આપણા ગામમાં એક જાહેર પુસ્તકાલય શરૂ કરીશું જેથી ત્યાં આવતાં વર્તમાનપત્રો અને વિધવિધ સામયિકો લોકો ખુશીથી વાંચી શકે. આ વિચાર કરનાર વડીલનું અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું. મરનારના પુત્રને પિતાની ઇચ્છાની જાણ હતી તેથી તેણે પોતાના ગામમાં મંદિરના પ્રાંગણમાં બેસી શકાય તેવી વ્યવસ્થા કરીને ત્યાં જાહેર પુસ્તકાલય શરૂ કર્યું. આ પુસ્તકાલયમાં વિવિધ વર્તમાનપત્રો અને વિવિધ સામયિકો આવવા લાગ્યાં અને લોકો તેનો સારો લાભ લેવા લાગ્યા. આ પુત્રએ કરેલું પિતાનું શ્રેષ્ઠ શ્રાદ્ધ છે.

સમાજ માટે કંઇક ઉત્તમ કરવાનું કામ મરનાર પાછળ થાય તે શ્રાદ્ધનો ઉત્તમ નમૂનો છે. શ્રાદ્ધ પાછળ ઋષિ વિચાર આ જ છે કે, આપણે સમાજ વચ્ચે રહીએ છીએ અને તેનું ઋણ ચૂકવવાનું તો મોટું કામ છે. એક નાના ગામમાંથી નદી પસાર થાય અને મોટે ભાગના લોકો નદીમાંથી પીવાનું પાણી લઇ આવે. ચોમાસામાં તો રેલને કારણે નદીનું પાણી ગંદું હોય છે તેથી પીવાના પાણીની મોટી તકલીફ ચોમાસામાં થતી હોય છે.

એક સજજને વિચાર્યું કે ઘરે ઘરે પાણી પહોંચે તેવી વ્યવસ્થા કેમ ન કરી શકાય? નદી પર એક કૂવો તૈયાર કરાવ્યો અને ત્યાંથી ઘરે ઘરે પીવાનું પાણી પહોંચે તેવી પાકી વ્યવસ્થા કરી. જે દિવસે લોકાર્પણનો સમય આવ્યો ત્યારે તે સજજને કહ્યું કે, ‘‘મારો પુત્ર મારું મૃત્યુ પછી જે શ્રાદ્ધ કરવાનો હોય તે કરશે પરંતુ હું જાતે જ આ વ્યવસ્થા ગામ લોકો માટે ઊભી કરીને મારું શ્રાદ્ધ કરતો જાઉં.’’
શ્રાદ્ધની ઋષિ કલ્પના વિચારવા જેવી છે ને?

Most Popular

To Top