Entertainment

શ્રદ્ધા કપૂર લગ્નથી કેટલી દૂર…

શ્રદ્ધા કપૂર શું હોરર ફિલ્મોની બ્રૅન્ડ એમ્બેસેડર બની ગઇ છે કે શું? ‘સ્ત્રી’ સફળ રહી તો ‘સ્ત્રી-2’ બની તે પણ સફળ રહી એટલે શ્રદ્ધાએ હવે ‘સ્ત્રી-3’માં પણ કામ કરવાનું આવ્યું છે. હમણાં હોરર ફિલ્મો શું કામ આટલી બધી ચાલી નીકળી છે તે ખબર નથી પણ શ્રદ્ધા આવી ફિલ્મો માટે જાણે સહુથી વધુ શ્રદ્ધેય પૂરવાર થઇ છે તેની પાસે અત્યારે આઠ જેટલી હોરર ફિલ્મો છે. યશરાજ ફિલ્મે સ્પાય યુનિવર્સ, રોહિત શેટ્ટીએ કૉપ યુનિવર્સ તેમ દિનેશ વિજનની મેડોક કંપનીએ હોરર યુનિવર્સ તૈયાર કર્યું છે. ‘સ્ત્રી’ ફિલ્મ શ્રેણીબદ્ધ રીતે આગળ વધારવા ઉપરાંત ‘મુંજ્યા’ની સફળતાએ પણ તેનો હોરરમાં વિશ્વાસ વધી ગયો છે. શ્રદ્ધા ‘થામા’, ‘શક્તિ શાલિની’, ‘ભેડિયા-2’, ‘ચામુંડા’, મહા મુંજ્યા’ પહેલા મહાયુદ્ધ અને દૂસરા મહાયુદ્ધમાં કામ કરી રહી છે. લાગે છે કે તે ખોટા ટ્રેપમાં ફસાઈ ગઇ છે પણ સફળતા મળતી હોય તો તેને નકારવી કઇ રીતે? શ્રદ્ધા અત્યાર પહેલાં સ્ટ્રીટ ડાસર થ્રીડીમાં ડાન્સ કરતી હતી. ‘ચાલબાઝ ઇન લંડન’માં તેણે કોમેડી અને ચબરાકી દેખાડી, ‘તું જૂઠી મે મક્કાર’ પણ એવી ચતુરાઈ અને રોમાન્સથી મઝાની બની હતી પણ તે ‘નાગિન’ ફિલ્મમાં આવી પછી હોરર ફિલ્મોની પસંદ બની ગઇ. અલબત્ત, તે કશું જૂદું કરતી જ નથી એમ તો ન કહેવાય કારણ કે રણબીર કપૂર સાથે તે આવી રહી છે પણ હોરર ફિલ્મોનું શું છે કે તેમાં રણબીર યા રણવીર યા વરુણ ધવન કે સિદ્ધાર્થ મલ્હોત્રા પ્રકારના સ્ટાર નથી હોતા. આવા સમયે ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ ઓછી થતી હોય છે અને તેનો ભાર શ્રદ્ધા પર આવી જતો હોય છે હોરર કોમેડીમાંથી બહાર આવવું તેના માટે હિતાવહ છે. પણ હવે તે રોકાશે નહીં કારણ કે વચ્ચે ત્રણેક વર્ષ તે સતત નિષ્ફળ રહી હતી અને કોમર્સના ગણિતમાં તેણે શાણપણ જ દાખવવું પડે તેમ છે. શ્રદ્ધા બધી જ હોરર કોમેડીમાં મુખ્ય ભૂમિકા નથી ભજવતી પણ બીજી હીરોઇન હોય ત્યારે પણ શ્રદ્ધાને થોડા દૃશ્યમાં હાજર રાખવામાં આવશે. શ્રદ્ધા તેના ખાસ્સા રૂપિયા વસુલશે. ખેર! હમણાં તો એવી પણ ચર્ચા ચાલી નીકળી છે કે વિત્યા વર્ષોમાં આલિયા, કેટરીના, યામી, સોનાક્ષી, અદિતી, તાપસી વગેરે પરણી ગઇ તો આ વર્ષે ક્રિતી અને શ્રદ્ધા જેવી અભિનેત્રીઓ પરણી શકે છે. શ્રદ્ધા પોતાના રોમાન્સને બહુ ચગાવતી નથી છતાં પોતાનો જીવનસાથી શોધી લીધો છે. તે રાહુલ મોદીને ડેટ કરે છે એવા સમાચાર વારંવાર ચમક્યા છે. હમણાં ‘મોદી’ અટક વધારે ફેશનમાં છે એટલે નહીં પણ લેખક રાહુલ મોદી પર શ્રદ્ધાને શ્રદ્ધા હોવાનું કહેવાય છે. ‘સ્ત્રી-2’ ફિલ્મના પ્રમોશન વખતે પૂછાયેલું તો તેણે જવાબ આપેલો કે ‘વો સ્ત્રી હૈ, ઉસે જબ દુલ્હન બનના હે વો બનેગી. તો સમજો કે 2025નું વર્ષ ફિલ્મ અને અંગત જીવનમાં પણ શ્રદ્ધાને ઘણું આપી શકશે. હોરર ફિલ્મમાં ભૂતની હોય અને તેના લગ્ન નથી થતા પણ આ તો શ્રદ્ધા છેને તેને આશીર્વાદ આપવા ભૂતો પણ આવશે. •

Most Popular

To Top