આમ તો સુરત ‘સ્માર્ટ સિટી’તરીકે ઓળખાય છે એની જાહેરાતો કરાય છે પણ સ્માર્ટ સિટી વિશે થોડી શંકા થાય છે. ૧) શહેરમાં અનેક ઠેકાણે ગટરનાં ઢાંકણાં ના હોવાને કારણે એમાં બાળકો ગરકાવ થઈ મૃત્યુને ભેટે છે. ૨) અનેક ઠેકાણે ખોદકામ કર્યા પછી કોઈ સૂચના બોર્ડ કે બેરીકેડ ના મૂકવાને કારણે અંધારામાં આખેઆખી રિક્ષા ને સ્કૂટરો ખાડામાં ખાબકે છે. ૩) રખડતાં ઢોરો, કરડતાં કૂતરાંઓ અને બેફામ દોડતાં વાહનોને લીધે સવારે કામ-ધંધે ગયેલો માણસ સાંજે હેમખેમ આવશે એની કોઈ ગેરેંટી નથી.
૪) મસમોટા ખર્ચા કરીને બનાવેલા ટ્રાફિક જંકશનો હવે તોડાઈ રહ્યાં તો શું બનાવતી વખતે કોઈ પ્લાનિંગ નહોતું? ૫) મેટ્રોની કામગીરીએ શહેરને રીતસર બાનમાં લીધું છે અને ઠેર-ઠેર બંધ રસ્તાઓ અને માટીના ડુંગરાને લીધે શહેરીજનો ત્રસ્ત છે. ૬) શહેરના અનેક બગીચાઓ બિસ્માર હાલતમાં છે અને અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગયા છે. ૭) ઠેર-ઠેર ઉભરાતી ગટરો, કચરાના ઢગલાઓ, વાસ મારતું પીવાનું પાણી, લારી-ગલ્લાવાળાં ને દબાણો (ચૌટા બજાર)નો કોઈ ઉકેલ નથી. સ્માર્ટ સિટીના અધિકારીઓ તાવણામાં વ્યસ્ત નેતાઓ પ્રચારમાં વ્યસ્ત અને શહેર હાલ ભગવાન ભરોસે છે.
સુરત – ભાર્ગવ પંડ્યા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
