Shinor

શિનોર હની ટ્રેપ કેસમાં મુખ્ય આરોપી આશિક પઠાણને 27 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ


શિનોર:
શિનોરના 66 વર્ષીય સિનિયર સિટિઝનને કાવતરામાં ફસાવી હની ટ્રેપ રચી બળાત્કાર, નગ્ન ફોટા વાયરલ કરવાની, પ્રેગ્નન્સી તથા એબોર્શન જેવી ગંભીર ધમકીઓ આપી કુલ રૂ. 75, 75,550 પડાવનાર કેસમાં મુખ્ય આરોપી આશિક સિકંદર પઠાણને પોલીસે ઝડપી લીધો છે. આરોપીને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તા. 27 ફેબ્રુઆરી 2026 સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

આ ચકચારી હની ટ્રેપ કેસમાં ફરિયાદી હરેશ પટેલ દ્વારા તા. 6 ફેબ્રુઆરી 2026ના રોજ ગુનો નોંધાવ્યા બાદ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ભાદરકા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પહેલા બે આરોપીઓને ઝડપી તેમના રિમાન્ડ પૂર્ણ થયા બાદ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા, તેમજ તેમની પાસેથી રૂ. 4,18,000 નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
કેસમાં તમામ નાણાંકીય વ્યવહાર કરનાર ત્રીજો મુખ્ય આરોપી આશિક સિકંદર પઠાણ દવા પી લીધા બાદ દવાખાને દાખલ થયો હતો, જ્યાંથી તેને ઝડપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. FIR મુજબ આ કાવતરામાં કુલ નવ આરોપીઓ સામેલ છે, જેમાં મનીષા ઉર્ફે શાંતા ભુરા વસાવા (રાજપારડી), આશિક પઠાણ (શિનોર), અનવર મન્સૂરી, સલીમ ઉર્ફે બતક, મનીષાનો પતિ, તેનો બનેવી, તેની માતા, બહેનપણી અને એક અજાણ્યો વ્યક્તિ સામેલ છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રૂ. 75 લાખથી વધુની રકમનો મુખ્ય વહીવટ આશિક પઠાણ દ્વારા કરવામાં આવ્યો હતો. રિમાન્ડ દરમિયાન બાકીના છ આરોપીઓ પણ ઝડપાશે તેવી શક્યતા છે. ફરિયાદી દ્વારા આશિકના પુત્ર અશફાકને ગૂગલ પે મારફતે રકમ ચુકવવામાં આવી હોવાની, આશિકના ભાઈ અહેમદને બેંક મારફતે રૂ. 8 લાખ આપ્યા હોવાની તથા માલસર–માંડવા વચ્ચે મહારાજનું મકાન તેમજ આશિકની અલ્ટો કાર આ ગુનામાં ઉપયોગમાં લેવાઈ હોવાની વિગતો પણ સામે આવી છે.

પોલીસ માને છે કે ઇન્ચાર્જ પીઆઈ ધનાભાઈ રણમલભાઈ ભાદરકા સંપૂર્ણ નિષ્ઠા અને પ્રમાણિકતાથી તપાસ કરશે તો સમગ્ર રકમ રિકવર થવાની પૂરી શક્યતા છે. અગાઉના પીઆઈ બી.એન. ગોહિલ દ્વારા પણ સેગવા અને શિનોરમાં થયેલા હની ટ્રેપ કેસોમાં મોટી રકમ સફળતાપૂર્વક રિકવર કરવામાં આવી હતી.
રિમાન્ડ દરમિયાન આશિક પઠાણે જેમને ઉછીના રૂપે રકમ આપી છે તેવા બેન્ડવાળા સહિત અન્ય લોકોના નામો પણ બહાર આવવાની સંભાવના છે. શિનોર સહિત સમગ્ર જિલ્લામાં આ કેસ ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને પોલીસ માટે પણ મોટો પડકારરૂપ સાબિત થયો છે.

રિપોર્ટર: અમિત સોની

Most Popular

To Top