Shinor

શિનોર તાલુકામાં નર્મદા કેનાલમાં પડેલા યુવકનો મૃતદેહ મળ્યો

સેગવા ગામના યુવકનો કુકસ નજીકથી મૃતદેહ મળતા શોકનો માહોલ
શિનોર | તા. 27
શિનોર તાલુકાના સેગવા ગામના એક યુવક નર્મદા કેનાલમાં પડતા ગુમ થયા બાદ આજે કુકસ નજીકથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સેગવા ગામના રહેવાસી દિલીપભાઈ ઉર્ફે દિનેશભાઈ ચંદુભાઈ પરમાર (ઉંમર 41 વર્ષ) સેગવા નજીક નર્મદા કેનાલમાં પડી જતા ગુમ થયા હતા. ઘટનાની જાણ થતાં શિનોર પોલીસ તથા કરજણ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી, પરંતુ ગતરોજ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
માહિતી મુજબ દિલીપભાઈ કોઈ કામધંધો કરતા ન હતા અને પત્ની પાસે પૈસાની માંગણી કરતા હતા. કામ બાબતે પત્નીએ ઠપકો આપતાં બંને વચ્ચે ઝગડો થયો હતો. ઝગડા બાદ દિલીપભાઈ ઘરેથી નીકળી સેગવા નજીક નર્મદા કેનાલ તરફ ગયા હતા.
કરજણ ફાયર બ્રિગેડની ટીમે બોટ મારફતે કેનાલમાં ભારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ગતરોજ સુધી કોઈ સફળતા મળી નહોતી.
આજે તા. 27-02-2026ના રોજ કુકસ નજીક નર્મદા નિગમની કેનાલમાંથી દિલીપભાઈનો મૃતદેહ મળી આવ્યો, જેની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસે મૃતદેહને મોટા ફોફળિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર : અમિત શોની, શિનોર

Most Popular

To Top