Shinor

શિનોરમાં મારામારીની ઘટનાથી તણાવ

વકીલ પ્રકાશ માસ્તર અને પરિવાર પર હુમલાની ફરિયાદ, પાંચ ઈસમો સામે ગુનો નોંધાયો
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, પરિસ્થિતિ નિયંત્રણમાં

શિનોર |
વડોદરા જિલ્લાના શિનોર ટાઉનમાં થયેલી એક મારામારીની ઘટનાએ વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જ્યું છે. શિનોરમાં રહેતા વકીલ પ્રકાશ માસ્તર અને તેમના પરિવાર પર કેટલાક ઈસમો દ્વારા હુમલો કરાયો હોવાની ફરિયાદ શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ફરિયાદ મુજબ, “તમારો ભાઈ પાંચ હેલોજન ચોરી કરીને લઈ ગયો છે” એવો આરોપ લગાવી બોલાચાલી શરૂ થઈ હતી. આ બોલાચાલી થોડી જ વારમાં ઉગ્ર બની અને મારામારી સુધી પહોંચી ગઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનામાં વકીલ પ્રકાશ માસ્તર સહિત તેમના પરિવારના સભ્યોને ઇજાઓ પહોંચતાં તમામને મોટા ફોફળીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર મામલે શિનોર પોલીસ સ્ટેશનમાં કુલ પાંચ ઈસમો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકત્રિત થતાં વિસ્તારમાં તણાવની પરિસ્થિતિ ઊભી થઈ હતી. સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શિનોર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું છે કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે તેમજ સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલુ છે.

રિપોર્ટર::અમિત સોની

Most Popular

To Top