કપડવંજની વાટા શિવપુરાના મુખ્ય શિક્ષક અને નડિયાદના હાથજની શિક્ષિકાને માત્ર પગાર લેવામાં જ રસ…!!
(પ્રતિનિધિ) નડિયાદ, તા.10
ખેડા જિલ્લાના કપડવંજમાં આંતરીયાળ વિસ્તાર ગણાતા માલઈટાડીની એક પ્રાથમિક શાળાના આચાર્યએ શિક્ષણ વિભાગને કલંક લગાવ્યો છે. આ માલેતુજાર આચાર્યએ સ્કૂલમાં ભાડુતી શિક્ષકને મૂકી અને પોતે પોતાના વ્યાજના ધિકતા ધંધા માટેના વહીવટોમાં જ ફરતો હતો. આ ઘટના સામે આવતા હવે સમગ્ર મામલે શિક્ષણ વિભાગ દ્વારા દાખલારૂપ કાર્યવાહી કરવાને બદલે આચાર્યને બચાવવા માટેના પ્રયાસ શરૂ કર્યા છે અને શિક્ષક અન્ય પે સેન્ટર શાળામાં પુસ્તકો લેવા ગયા હોવાની પાયાવિહોણુ કારણ દર્શાવ્યુ છે. આ તરફ નડિયાદના હાથજની એક શાળામાં પણ શિક્ષિકા વિદેશ હોવા છતાં તેને પગાર ચુકવાતો હોવાની પુષ્ટિ થઈ છે, જે મામલે પણ શિક્ષણ વિભાગ ભીંસમાં મુકાયુ છે.
ખેડા જિલ્લામાં શિક્ષણ વિભાગને લાંછન લગાવતા બે કિસ્સા સામે આવ્યા છે. પ્રથમ કિસ્સામાં કપડવંજના માલઈટાડી તાબે વાટા શિવપુરા પ્રાથમિક શાળામાં ડમી શિક્ષક ભણાવતો હતો, જે અંગે વીડિયો વાયરલ થતા શિક્ષણ વિભાગ ભીંસમાં મુકાયુ છે. અત્રે ફરજ બજાવતા મુખ્ય શિક્ષક એટલે કે આચાર્ય આશિષભાઈ શાળાએ ક્યારેય આવતા જ ન હોય અને છેવાડાનું ગામ હોવાનો ફાયદો ઉઠાવી અન્ય ભાડુતી ઈસમને શાળામાં શિક્ષક તરીકે મૂક્યા હતા. બીજીતરફ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ આચાર્ય માલેતુજાર હોય અને આર્થિક સંપન્ન છે અને તેઓ વ્યાજે નાણાં ફેરવવાના ધંધામાં સંકળાયેલા છે. જેથી શાળાએ ફરજ પર આવવાને બદલે તેમણે ભાડુતી ઈસમને શિક્ષક તરીકે મૂકી દીધો હતો અને તેને માસિક પગાર ચુકવતો હતો, આ સાથે જ સરકારની તિજોરીમાંથી મફતનો 80 હજાર જેટલો પગાર લેતો હતો. પોતે વ્યાજના ધંધામાં સંકળાયેલો હોય, તેના જ કામકાજમાં તે બહાર રહેતો હતો. આ ઘટસ્ફોટ થતા જ કાર્યવાહી કરવાના બદલે શિક્ષણ વિભાગે લૂલો બચાવ કર્યો છે અને આ મુખ્ય શિક્ષક અન્ય કોઈ શાળામાં પુસ્તકો લેવા ગયો હોવાનું જણાવ્યુ છે. આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગણી ઉઠી છે. નડિયાદ તાલુકાના હાથજ ગામમાં આવેલ પ્રાથમિક શાળાના શિક્ષિકા સોનલબેન પરમાર છેલ્લા 11 માસથી સતત શાળામાં ગેરહાજર રહ્યા છે. તેઓ પરદેશ જતા રહ્યા હોવાનું શાળાના મુખ્ય શિક્ષક જણાવી રહ્યા છે છેલ્લા એક વર્ષથી વિદેશ જતા રહ્યા છે. ડીપીઈઓ દ્વારા મળતી માહિતી મુજબ ડીપીઈઓ કક્ષાએથી તપાસ કરવામાં આવતા આ શિક્ષિકા 1 સપ્ટેમ્બર 2023થી સતત શાળામાં ગેરહાજર છે. જે મામલે ડીપીઈઓ દ્વારા કારણ દર્શક નોટિસ પણ ઇસ્યુ કરેલ છે. આ નોટીસમાં જણાવાયું છે કે, 1/9/2023થી શિક્ષિકા સોનલબેન ગેરહાજર છે. તેઓ અમેરિકા જતા પહેલા શિક્ષણ વિભાગ પાસેથી એનઓસી પણ લીધું નથી. જોકે આ શિક્ષિકાને ગેરહાજર ગણીને તેનો પગાર થતો ન હોવાનું ડીપીઈઓએ જણાવ્યું છે. મહત્વનુ છે કે, સોનલબેન વિદેશ જતા રહેતા પ્રાથમિક શાળામાં એક શિક્ષકની ઘટ પડી રહી છે. આ શાળામાં ધોરણ 1થી 8માં કુલ 564 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
શિક્ષણ અધિકારી કાર્યવાહી કરવાના બદલે બચાવી રહ્યા છે..?
આ સમગ્ર મામલે પ્રાથમિક શિક્ષણાધિકારી પરેશ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, હાથજની બાબતે શિક્ષિકાને નોટિસ પણ આપી છે જો આવનાર સમયમાં શિક્ષિકા તરફથી કોઈ ખુલાસો નહીં આવે તો તેને ટર્મિનેટ કરવામાં આવશે અગાઉ પણ આ રીતે ત્રણ શિક્ષકોને ટર્મીનેટ કર્યા પણ છે. કપડવંજ તાલુકાના માલઈટાડી તાબે વાટા શિવપુરા પ્રાથમિક શાળામાં ડમી શિક્ષકના મામલે પુછતા તેમણે કહ્યું કે, બાબતે તપાસ ચાલુ છે જેમા આજે અમારી ટીમ તપાસ અર્થે ત્યાં પહોંચી છે. જો એમાં પણ કોઈ જવાબદાર હશે તો તેની સામે પણ કડક પગલાં ભરવામાં આવશે.