Entertainment

શાહરુખની નવી ‘મન્નત’

મુંબઈના દરિયા કિનારા ઉભેલા એક જવાન, જેની પાસે રહેવા જગ્યા નથી એ સ્ટ્રગલરે બે હાથ ખુલ્લા કરી, દરિયાને કહેલું કે ‘એક દિવસ હું આ શહેર પર રાજ કરીશ’ દંતકથા બની ગયેલી શાહરુખની આ સફળતાની વારતાને વધારે ચમક આપે છે, મુંબઈમાં અરબ મહાસાગરનાં કિનારે આવેલો, મુંબઈની જ એક ઓળખ બની ગયેલો બંગલો ‘મન્નત-Land’s End’
SRKનાં ફેન્સની ખિચોખીચ ભીડથી ભરાયેલી આ જગ્યા પર હવે 2 વર્ષ માટે કોઈ ભીડ જોવા નહિ, કારણ કે શાહરુખ પણ ત્યાં નહિ હોય, હશે તો મન્નત નામના બંગલોને રીપેર કરતા કારીગરો. એટલે કે શાહરુખનો આ બંગલો મન્નત રિનોવેટ થઇ રહ્યો છે. એક ઘર કરતાં બોલીવુડના ‘જલસા’નું પ્રતીક બની ગયેલો આ બંગલો બદલાય એ પહેલા તેની લટાર મારી આવીયે?
મન્નત, જે પહેલા ‘વિલા વિયેના’ નામે ઓળખાતું હતું, કિંગ ખાન પહેલા 19મી સદીના અંતમાં મંડીના 16માં કિંગ બિજાઈ સેને તેની પત્ની (ધ ફેડરલ) માટે આ બંગલો બનાવ્યો હતો! બિજાઈ સેનના મૃત્યુ પછી તે પારસી ઉદ્યોગપતિ માણેકજી બાટલીવાલાને વેચી દેવામાં આવ્યું.


બાદમાં, તે મોડર્ન ઇન્ડિયન આર્ટના જાણીતા કેકુ ગાંધીને સોંપવામાં આવ્યું, જેમનાં પરિવારના એમ.એફ.હુસૈન જેવા કલાકારો સાથે સંબંધો હતા, એટલે ઘણા બધા કલાકારો શાહરુખ રહેવા આવ્યો તે પહેલા અહીં આવતાજતાં હતા.
શાહરૂખે આ બંગલો 1997માં ‘યસ બોસ’ના શૂટિંગ દરમિયાન જોયો. એક મીડિયા રીપોર્ટ એવું પણ જણાવે છે કે શાહરૂખ પહેલા આ પ્રોપર્ટી સલમાનને ઑફર કરવામાં આવી હતી પણ સલમાન હજી કરિયરની શરૂઆતમાં હતો એટલે સલીમ સા’બે ખરીદવા માટે ના પાડી. અને 2001માં ભાઈ ખોરશેદ ભાનુ સંજના ટ્રસ્ટ પાસેથી શાહરૂખે 13.32 કરોડમાં બંગલો ખરીદી લીધો. અને 2005માં તેનું નામ ‘મન્નત’ રાખ્યું. આનું સ્ટ્રક્ચર નિયો-ક્લાસિકલ અને મોડર્ન આર્કિટેક્ટ છે, જે ઇટાલિયન આર્ટથી પ્રેરિત છે. 6 માળ, 27,000 ચોરસ ફૂટમાં ફેલાયેલા મન્નતમાં 5 બેડરૂમ, જીમ, સ્વિમિંગ પૂલ, લાઇબ્રેરી, હોમ થિયેટર અને સ્ટાર-સ્ટડેડ ટેરેસ છે. ગૌરી ખાને આર્કિટેક્ટ કૈફ ફકીહ સાથે મળીને દસ વર્ષથી વધુ સમય માટે તેને ડિઝાઇન કર્યું છે, જેમાં નિયો-ક્લાસિકલ અને મોડર્ન એસ્થેટિક્સ ડિઝાઇનથી સજાવ્યુ છે. ઘરની હાલની કિંમત લગભગ ₹200 કરોડ છે. જે તેને ઇન્ડિયાના સૌથી મોંઘા ઘરમાંનું એક બનાવે છે.
રીનોવેશન દરમિયાન ખાન ફેમિલી બાંદ્રા પાલી હિલની પૂજા કાસા બિલ્ડિંગમાં બે ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં ભાડે રહેવાના છે. જેનું મહિનાનું ભાડું 24 લાખ છે! રિનોવેશનમાં એનેક્સમાં વધુ 2 માળ વધારવા સાથે મોટા ભાગની આધુનિક સુવિધાઓ જેવી કે અદ્યતન જીમ અને સિક્યુરિટી, ઘરને વધારે મોટું કરી રહેવાની જગ્યાનો વિસ્તાર કરશે. આ બધુ મન્નતની જૂની જાહોજલાલીને દૂર કર્યા વગર હેરિટેજ લુક રાખીને મોડર્ન ટચ આપવામાં આવશે. આ માટે બે વર્ષનો સમય લાગશે અને 25 કરોડ જેટલો ખર્ચ થવાનો છે!
શાહરૂખ 2027 સુધીમાં મન્નતમાં પાછો ફરે તેવી શક્યતા છે. આ દરમ્યાન કિંગ ખાનનો આગામી પ્રોજેક્ટ ‘કિંગ’ છે, જેમાં તે સુહાના સાથે કામ કરશે. સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનતી આ ફિલ્મ 2026માં રિલીઝ થઈ શકે છે. •

Most Popular

To Top