Dabhoi

શાળાઓ શરૂ થાય તે પહેલા ડભોઇમાં શૈક્ષણિક સાધન સામગ્રી ખરીદવા વિદ્યાર્થીઓ – વાલીઓનો ઘસારો

ડભોઇ: શાળાઓમા ઉનાળુ વેકેશન પૂરૂં થશે અને નવું સત્ર ૦૯ જૂનથી શરૂ થશે.જેને લઇને ટાવર,સ્ટેશન રોડ,કોલેજ રોડ,વડોદરી ભાગોળ રોડ જેવા મુખ્ય બજારોમાં પાઠ્ય પુસ્તકો,ડાયરા,દફતર,યુનિફોર્મ ખરીદવા માટે બાળકો સાથે વાલીઓની ભીડ ઉમટી પડી હોવાના દ્રશ્યો જ્યાં નજર નાખો ત્યાં જોવા મળે છે. મોડી રાત સુધી સ્ટેશનરીની દુકાનો ખુલ્લી રહેવા પામી હતી.
ઉનાળુ વેકેશન પૂરું થતાં જ શાળાઓ ધમધમી ઉઠશે. એનો અણસાર મુખ્ય બજારો ની ચહલ-પહલ માં જોવા મળી રહ્યો છે. પુસ્તક બજારોમાં બાળકો તેમના માતા-પિતા સાથે પાઠ્ય પુસ્તકો, નોટબુકો, ડાયરા અને દફતર અને કાપડની દુકાનોમાં યુનિફોર્મ ની ખરીદી કરવા માટે વાલીઓ ઉમટી પડેલા જોવા મળે છે. વાલીઓના ધસારાને લઇ પુસ્તકો તથા શૈક્ષણિક સાધન સામગ્રીની ખરીદી માટેનો વધેલો ઘસારો બજારોમાં એકાએક તેજી લાવી દીધી હોવાનો અણસાર આપી રહ્યો છે. ડભોઇ નગર ઉપરાંત ૧૧૯ ગામના લોકો ખરીદી અર્થે અહીં આવે છે. ડભોઇ ટાવર બજારમાં પાઠ્ય પુસ્તકો તથા શિક્ષણ સાધન સામગ્રી તથા યુનિફોર્મ તૈયાર તેમજ એ ના મળે તો તે માટેનું કાપડ ખરીદવા માટે ગ્રામ્ય વિસ્તારમાંથી વાલીઓ ઉમટી પડતા ભીડ જોવા મળી હતી. નગરની પ્રજા ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકો પણ બજારમાં પુસ્તકો ખરીદી અર્થે જોવા મળી રહ્યા છે. પાસ થયેલા વિદ્યાર્થીઓના નવા વર્ગમાં જવાનો ઉત્સાહ અને નવા પાઠ્ય પુસ્તકો ખરીદવાનો ઉત્સાહ બજારોમાં જામેલી ભીડમાં જોવા મળી રહ્યો છે. ડભોઇ નગરમાં તથા તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવેલી શાળાઓના યુનિફોર્મ ભિન્નભિન્ન હોવાથી દરેક શાળાના વિદ્યાર્થીઓ પોતાની શાળાનો યુનિફોર્મ, ટાઈ, બુટ મોજા વિગેરે ખરીદવા યુનિફોર્મ વેચતી દુકાનો પર વાલીઓ સાથે બાળકો જોવા મળે છે.
આમ ડભોઇના બજારોમાં નવા સત્રના પ્રારંભ પૂર્વે જ પાઠ્યપુસ્તકો ખરીદી માટે બાળકો અને વાલીઓની ભીડ સ્ટેશનરીની દુકાનોમા મોડી રાત સુધી જોવા મળે છે.

Most Popular

To Top