વડોદરા સેન્ટ્રલ જેલમાં સરદાર યાર્ડમાં સેલ નંબર 4માંથી ત્રણ મોબાઇલ મળી આવ્યાં
શાર્પ શુટર, બૂટલેગર અને પાર્થ પરીખે મોબાઇલ સંતાડવા કાચા કામના કેદીને આપ્યા
વડોદરા સેન્ટ્રલ જેલમાં સરદાર યાર્ડ સેલ 4માં કાચા કામના કેદીએ બિસ્તરમાં સંતાડી રાખેલી ત્રણ મોબાઇલ જેલર તથા ઝડતી સ્કવોડે ઝડપી પાડ્યા હતા. છેલ્લા 20-25 દિવસથી અનિલ ઉફે એન્થોની, સુનિલ ઉર્ફે અદો અને પાર્થ બાબુલ પરીખે સંતાડવા માટે આપ્યા હતા. ચારેય કેદીઓ મોબાઇલનો ઉપયોગ કરતા હતા. જેલરે ચાર કેદીઓ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા સેન્ટ્રલમાં અવારનવાર મોબાઇલ ફોન મળી આવવાનો બનાવો બનતા રહે છે. પરંતુ ત્યારે સવાલ એ થાય છે કે જેલમાં પોલીસ કર્મીઓનો આટલો સખત પહેરો હોવા છતાં મોબાઇલ કેદીઓ પાસે પહોંચી કેવી રહ્યા છે ? જેના માટે ગૃહ મંત્રીની સુચનાથી અગાઉ જેલમાં ઉચ્ચ અધિકારીઓએ પોલીસ કાફલા સાથે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન માત્ર ને માત્ર વિમલ અને તમાકુના પાઉચ મળી આવ્યા હતા. ત્યારબાદ પણ મોબાઇલ તો કેદીઓ પાસે મળી આવવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. ત્યારે ફરીવાર 5 માર્ચને મંગળવારના રોજ જેલર સહિત અધિકારીઓ અને ઝડતી સ્કવોર્ડ દ્વારા સરદાર યાર્ડ ખાતેના સેલ નંબર 4માં કાચા કામના કેદી સોની અલીશેર પઠાણની બિસ્તરની ઝડતી કરતા તેમાં છુપાવી રાખેલા સિમકાર્ડ સહિતના ત્રણ મોબાઇલ મળી આવ્યા હતા. કેદીની પૂછપરછ કરતા તેણે હુ તથા અન્ય કેદીઓ શાર્પ શુટર અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણી, સુનિલ ઉર્ફે અદો પ્રકાશ કેવલરામાણી તથા પાર્થ બાબુલ પરીખ મોબાઇલનો ઉપયોગ કરતા હોવાનું જણાવ્યું હતું. ત્રણ જણાએ છેલ્લા 20 -25 દિવસથી મોબાઇલ સાચવવા માટે આપતા હતા. ત્રણ મોબાઇલ પોલીસે કબજે કરી એફએફએસમાં ચકાસણી માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. જેલરની ફરિયાદના આધારે રાવપુરા પોલીસે કેદીઓ સોનુ અલીશેર પઠાણ, અનિલ ઉર્ફે અન્થોની, સુનિલ ઉર્ફે અદો અને પાર્થ બાબુલ પરીખ સામે જાહેરનામા ભંગ તથા આઇપીસી 188, પ્રિઝન એક્ટની કલમ 42,43, 45ની પેટા કલમ 12 હેઠળ ગુનો દાખલ કર્યો છે.
શાર્પ શુટર અનિલ ઉર્ફે એન્થોની- બુટલેગર સુનિલ ઉર્ફે અદો જેલમાંથી નેટવર્ક ચલાવતા હોવાનુ અનુમાન
By
Posted on