(પ્રતિનિધિ) શહેરા તા.28
શહેરા અને મોરવા (હ)ના વિવિધ ગામડાઓમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ કંપની અને મધ્ય ગુજરાત વીજ કંપની અધિકારીઓ દ્વારા 876 જોડાણોનું વીજ ચેકીંગ કરતા 119 જેટલા વીજ ચોરીના જોડાણો મળી આવ્યા, રૂ. 25.41 લાખની ચોરી પકડી પાડી દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મધ્ય ગુજરાત વીજ કંપનીના ત્રણ સબ ડિવિજનના લગતા ગામોમાં 37 જેટલી ટીમો બનાવી એમ.જી.વી. સી.એલના અધિકારીઓ અને પોલીસ સાથે રાખી આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગમાં સબ ડિવિજનના શહેરા- 1 ના અણિયાદ,મીઠાપુર, ધાયકા,ધારાપુર, શહેરા -2 ના જુના ખેડા, બાલુજીના મુવાડા,મોર,ઊંડારા અને સંતરોડ સબ ડિવિઝન 2 ના ફીડરમાં આવતા વિસ્તારના ગામો ચંચેલાવ,ગઢ,લાડપૂરમાં ચેકિંગ દરમિયાન 21 ગામોમાં 876 જેટલા વીજ જોડાણોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 119 જેટલા વીજ ચોરીના જોડાણોને ઝડપી લેવામાં આવ્યા હતાં અને અંદાજે 25.41 લાખની વીજ ચોરી ઝડપી પાડીને વીજ ચોરી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેને લઈ વીજ ચોરી કરનાર લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.