નડિયાદ તરફ જઈ રહેલા ગેરકાયદેસર લાકડાના જથ્થાને કાકારી રોડ પાસેથી વન વિભાગની ટીમે ઝડપી પાડ્યો
પ્રતિનિધિ ગોધરા તા.20
પંચમહાલ જિલ્લામાં વન સંપત્તિની ચોરી અટકાવવા વન વિભાગ સતર્ક બન્યું છે.ત્યારે શહેરા વન વિભાગે બાતમી અને પેટ્રોલિંગના આધારે ગેરકાયદેસર રીતે લાકડાનું વહન કરતી ટ્રકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરા પરીક્ષેત્ર વન અધિકારી આર.વી. પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરા રેન્જ સ્ટાફ શહેરાથી મોરવા (રેણા) રોડ પર પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન કાકારી રોડ પાસેથી પસાર થતી ટ્રક નંબર GJ 09 V 5691 શંકાસ્પદ જણાતા તેને અટકાવીને તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી પાસ કે પરમીટ વગરના લીલા તાજા પંચરાઉ લાકડાનો જથ્થો મળી આવ્યો હતો.
વધુ પૂછપરછમાં આ લાકડાનો જથ્થો નડિયાદ ખાતે લઈ જવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. વન વિભાગની ટીમે ત્વરિત કાર્યવાહી કરી લાકડા અને ટ્રક સહિત અંદાજે કુલ રૂ. 4,65,000 નો મુદ્દામાલ સરકાર હસ્તક કબજે કર્યો છે. હાલમાં જપ્ત કરેલા વાહન અને મુદ્દામાલને વધુ તપાસ અર્થે શહેરા રેન્જ કચેરીના કમ્પાઉન્ડ ખાતે સુરક્ષિત રાખવામાં આવ્યો છે.આ કામગીરીમાં રાઉન્ડ ફોરેસ્ટર એસ.બી. માલીવાડ, બીટ ગાર્ડ બી.એન. રાવલ અને નવાગામ બીટ ગાર્ડ એલ.ડી. રબારી સહિતનો સ્ટાફ જોડાયો હતો. વન વિભાગની આ લાલ આંખને પગલે લાકડા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.