પ્રતિનિધિ ગોધરા તા.18
શહેરા વન વિભાગ દ્વારા ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં. મગલીયાણા રાઉન્ડ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ધામણોદ રોડ પરથી પાસ-પરમિટ વગર લીલા તાજા પંચરાઉ ઇમારતી લાકડા ભરીને જઈ રહેલી એક ટ્રકને ઝડપી પાડવામાં આવી છે. વન વિભાગે ટ્રક અને લાકડા સહિત અંદાજે રૂપિયા ૪,૨૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીની પ્રાપ્ત વિગતો મુજબ પરીક્ષેત્ર વન અધિકારી શહેરા આર.વી. પટેલની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન વાધજીપુરથી નાડા રોડ તરફ જતી વખતે ધામણોદ રોડ પર શંકાસ્પદ જણાતી ટ્રક નંબર જી જે ૦૯ વી/ ૫૬૯૧ને અટકાવી તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી વગર પાસ-પરમિટના ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવતા પંચરાઉ ઇમારતી લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર કામગીરીમાં મગલીયાણા રાઉન્ડના ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર એસ. બી. માલીવાડ તથા ડુમેલાવ બીટના ઇન્ચાર્જ બીટ ગાર્ડ એ. એસ. પરમાર અને વન સ્ટાફ હાજર રહ્યો હતો.
વન વિભાગ દ્વારા મુદ્દામાલ સહિતની ટ્રકને સરકાર હસ્તક કબજે લઈ વધુ તપાસ અર્થે શહેરા રેન્જ કચેરીના કમ્પાઉન્ડ ખાતે ખસેડવામાં આવી છે. આ ગેરકાયદેસર લાકડા ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને ક્યાં લઈ જવાના હતા તે દિશામાં વન વિભાગે આગળની તપાસ તેજ કરી છે.
રિપોર્ટર: આશિષ બારીયા