પ્રતિનિધિ ગોધરા તા.26
શહેરા રેન્જ વન અધિકારી આર.વી. પટેલના માર્ગદર્શન હેઠળ શહેરા વન વિભાગની ટીમે ગેરકાયદેસર રીતે પાસ-પરમિટ વગર લીલા તાજાં પંચરાઉ ઇમારતી સીમળાના લાકડાની હેરાફેરી કરતો એક ટ્રક ઝડપી પાડ્યો છે. વન વિભાગે ટ્રક અને લાકડા સહિત આશરે રૂપિયા 4,25,000નો મુદ્દામાલ સરકારી કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના શહેરાથી સાજીવાવ રોડ પર આવેલા હોસાપુર ગામે બની હતી.
રાઉન્ડ ફોરેસ્ટર શહેરાના એસ.બી. માલીવાડ, વન રક્ષક શહેરાના બી.એન. રાવલ અને વન રક્ષક સાજીવાવના વી.એમ. રાઠોડ સહિતનો શહેરા રેન્જ સ્ટાફ આ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા.પેટ્રોલિંગ દરમિયાન ટીમે ટ્રક નંબર GJ 06/V 4303ને રોકીને તપાસ કરી હતી. તપાસમાં ટ્રકમાં પાસ-પરમિટ વગર લીલા અને તાજાં પંચરાઉ ઇમારતી સીમળાના લાકડાનો મોટો જથ્થો ભરેલો હોવાનું માલૂમ પડ્યું હતું. વન વિભાગના અધિકારીઓએ ટ્રકમાં ભરેલા ગેરકાયદેસર લાકડા અને વાહન સહિત કુલ રૂપિયા 4,25,000 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સમગ્ર મુદ્દામાલ સરકાર કબજે લઈ વધુ કાયદેસરની કાર્યવાહી અને તપાસ અર્થે શહેરા રેન્જ કચેરીના કમ્પાઉન્ડ ખાતે મૂકવામાં આવ્યો છે.