પ્રતિનિધિ | ગોધરા
શહેરા વન વિભાગ દ્વારા ગેરકાયદે લાકડાની હેરાફેરી સામે લાલ આંખ કરીને નોંધપાત્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરીક્ષેત્ર વન અધિકારી આર.વી. પટેલના સીધા માર્ગદર્શન હેઠળ શહેરા રેન્જ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન રેણા ચોકડી પાસેથી ગેરકાયદે લાકડાં વહન કરતી ટ્રક ઝડપી પાડી છે.
વન વિભાગના સ્ટાફ દ્વારા અણીયાદથી રેણા–મોરવા રોડ પર નિયમિત પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન રેણા ચોકડી પાસેથી પસાર થતી ટ્રક નંબર GJ-09 V-8343ને શંકાના આધારે અટકાવવામાં આવી હતી. ટ્રકની તપાસ કરતાં તેમાં કોઈ પણ પ્રકારની પાસ-પરમિટ વગર વહન કરવામાં આવતા લીલા તાજા પંચરાઉ લાકડાં મળી આવ્યા હતા.
વન વિભાગ દ્વારા ટ્રકમાં ભરેલ લાકડાં અને ટ્રક સહિત અંદાજે રૂ. 4,20,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ તપાસ અર્થે શહેરા રેન્જ કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે.
આ સફળ કાર્યવાહીમાં રાઉન્ડ ફોરેસ્ટર એસ.બી. માલીવાડ, આર.એસ. સોલંકી તથા વનરક્ષક વી.એમ. રાઠોડ સહિતનો સ્ટાફ જોડાયો હતો. વન વિભાગ દ્વારા ગેરકાયદે લાકડાની હેરાફેરી સામે આવનારા સમયમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી છે.
રિપોર્ટર: આશિષ બારીયા