Vadodara

શહેરમાં હવે ભૂંડોનો આતંક : માંજલપુરમાં મહિલા પર હુમલો, ગંભીર રીતે ઘાયલ


રખડતા કુતરા બાદ હવે ભૂંડોનો ત્રાસ, ઘરમાંથી કામ પુરી કરીને બહાર નીકળતી મહિલા પર જીવલેણ હુમલો

વડોદરા : વડોદરા શહેરમાં રખડતા પ્રાણીઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. રસ્તા પર રખડતા કુતરા અને ગાયોનું જોખમ હજુ ટળ્યું નથી કે હવે ભૂંડોનો આતંક લોકોના જીવ માટે જોખમ બની રહ્યો છે. માંજલપુર વિસ્તારમાં આજે સવારે ઘટેલા એક બનાવે ફરી એકવાર મન મુલાવી દીધું છે. ગજાનંદ સોસાયટી નજીક એક મહિલા કુસુમબેન પટેલ, ઘરકામ પૂરૂં કરીને બહાર નીકળતી વખતે કોમન પ્લોટ પાસેથી પસાર થતી હતી. એ દરમિયાન અચાનક એક રખડતા ભૂંડે તેમની પર હુમલો કર્યો હતો. હુમલો એટલો તીવ્ર હતો કે કુસુમબેન જમીન પર પડી ગયા અને તેમના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી.

મહિલાની બૂમાબૂમ સાંભળી આસપાસના રહેવાસીઓ તાત્કાલિક દોડી આવ્યા અને ભારે જહેમત બાદ ભૂંડને ભગાડવામાં સફળતા મળી. ઇજાગ્રસ્ત મહિલાને તરતજ 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. શહેરમાં આવી ઘટનાઓ રોજબરોજ બની રહી છે, ત્યારે મનપા અને પ્રાણી પાંજરાપોળ સંસ્થાઓ દ્વારા રખડતા પ્રાણીઓ સામે કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી તેવું લાગી રહ્યું છે. લોકોની સુરક્ષા માટે તંત્રે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે જેથી આવી દુર્ઘટનાઓથી બચી શકાય.

Most Popular

To Top