ધીમી ધારે પડેલા સવા ઇંચ જેટલા વરસાદમાં જ કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
(પ્રતિનિધિ) વડોદરા તા. 28
છેલ્લા બે દિવસથી શહેરમાં હળવો વરસાદ વરસી રહ્યો છે ત્યારે સોમવારે પણ વહેલી સવારથી ધીમીધારે અવિરત વરસાદ વરસ્યો હતો જેમાં રાત્રે 8 વાગ્યા સુધીમાં સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
હાલમાં ગુજરાતમાં ચાર અલગ અલગ વરસાદી સિસ્ટમ સક્રિય બની છે જેના કારણે આગામી 29 જૂલાઇ સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે વડોદરા શહેરમાં શનિવારે સાંજથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જે સોમવારે પણ યથાવત રહ્યો હતો સોમવારે સવારથી જ હળવો વરસાદ વરસ્યો હતો અને રાત્રે 8વાગ્યા સુધીમાં સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તથા મુખ્ય રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયાં હતાં જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. નજીવા વરસાદે પાલિકાના પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી હતી.
સવારમાં જ લહેરીપુરા થી માંડવી ચાર દરવાજા વચ્ચે વરસાદી પાણી ભરાતાં વેપારીઓને હાલાકી ભોગવવી પડી
સોમવારે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસવાનું ચાલુ રહેતાં શહેરના મધ્યમાં આવેલા મુખ્ય બજાર એવા માંડવી ચાર દરવાજાથી લહેરીપુરા દરવાજા વચ્ચે એકાદ ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયાં હતાં જેના કારણે વેપારીઓને પોતાની દુકાનોમાં માલસામાન સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવી પડી હતી સાથે જ અહીંથી પસાર થતાં રાહદારીઓ અને વાહનદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આ વિસ્તારમાં વર્ષોથી નજીવા વરસાદમાં પાણી ભરાવવાની સમસ્યા છે છતાં આજદિન સુધી કોઇ નિકાલ ન આવતા વેપારીઓમાં પાલિકાની કામગીરી ને લઇ આક્રોશ જોવા મળ્યો હતો.
ફતેગંજ મુખ્ય રોડ પર વરસાદી પાણીથી લોકોને પરેશાની સર્જાઇ
રવિવારે રાતથી ચાલુ રહેલો ધીમો વરસાદ સોમવારે પણ ચાલુ રહેતાં સવારથી જ શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા મુખ્ય રોડ પર વરસાદી પાણી ભરાતાં વાહનદારીઓ ને હાલાકી ભોગવવી પડી હતી.
અકોટા મુખ્ય રોડ પર વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો
સતત બે દિવસથી શહેરમાં ધીમી ધારે પડી રહેલા વરસાદને કારણે શહેરના અકોટા વિસ્તારમાં મુખ્ય રોડ પર વરસાદી પાણી ભરાયાં હતાં જેના કારણે લોકોને વહેલી સવારે નોકરી તથા બાળકોને શાળામાં જવા માટે પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો.
ગોરવા બીઆઇડીસીમાં વરસાદી પાણી ભરાતાં નોકરિયાતો અને ટ્રાન્સપોર્ટેશનને અસર
શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી બી.આઇ.ડી. સી. ના રોડપર નાના મોટા અનેક ખાડાઓને કારણે બે દિવસથી પડેલા વરસાદના પાણી ભરાયાં હતાં જેના કારણે નોકરિયાત વર્ગને તથા ઔદ્યોગિક એકમો માટે માલસામાન ની અવરજવર કરતા વાહનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
મનિષા ચારરસ્તા પાસે વરસાદી પાણી ભરાયાં
છેલ્લા બે દિવસથી શહેરમાં મેઘમહેર ને પગલે નજીવા વરસાદમાં પણ સોમવારે સવારથી જ શહેરના જૂના પાદરા રોડ વિસ્તારમાં આવેલા મનિષા ચારરસ્તા પાસે વરસાદી પાણી ભરાયાં હતાં જેના કારણે શાળા, ટ્યુશન તથા નોકરી ધંધા પર જતાં લોકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો
એસ.એસ.જી.હોસ્પિટલમા રોડ પર વરસાદી પાણી વચ્ચે સ્ટ્રેચર પર દર્દીને લઈ જવા મજબૂર
મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલ પરિસર ખાતે વરસાદી પાણી ભરાઇ જતાં દર્દીઓને સ્ટ્રેચર પર સગાઓ વરસતા વરસાદ વચ્ચે માથે છત્રી સાથે રિપોર્ટ માટે લઈ જવા મજબૂર બન્યા હતા.
શહેરના સોમા તળાવ અને ગાજરાવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતાં લોકો પરેશાન
શહેરમાં છેલ્લા બે દિવસથી અવિરત ધીમી ધારે પડી રહેલા વરસાદને કારણે શહેરના સોમા તળાવ વિસ્તારમાં તથા ગાજરાવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં હતાં જેના કારણે સવારે નોકરી પર જતાં લોકો, વેપારીઓ, સ્કૂલ કોલેજ જતાં વિધ્યાર્થીઓ,ફેરીયાઓને હાલાકી વેઠવી પડી હતી સાથે જ આસપાસના સ્થાનિકોને પણ જરુરિયાતની ચીજવસ્તુઓ માટે તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો.
વરસાદની સ્થિતિ વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં રાત્રે આઠ વાગ્યા સુધીમાં
સાવલી તાલુકામાં. 15મીમી
વડોદરા. 29મીમી
વાઘોડિયા તાલુકામાં 29મીમી
ડભોઇ તાલુકામાં 14મીમી
પાદરા તાલુકામાં 38મીમી
કરજણ તાલુકામાં 18મીમી
શિનોર તાલુકામાં 16મીમી
ટેસર તાલુકામાં 13મીમી
વડોદરાના જળાશયોની જળસપાટી રાત્રે 8 વાગ્યા સુધીમાં (ફૂટમાં)
આજવા ડેમ 211.72 ફૂટ
પ્રતાપપુરા ડેમ 222.39 ફૂટ
વિશ્વામિત્રી નદીની વિવિધ સ્થળોની જળસપાટી રાત્રે 8 વાગ્યા સુધીમાં (ફૂટમાં)
અકોટા બ્રિજ 13.61ફૂટ
બહુચરાજી બ્રિજ. 2.07 ફૂટ
કાલાઘોડા બ્રિજ 10.79ફૂટ
મંગલ પાંડે બ્રિજ 12.00 ફૂટ
મુજમહુડા બ્રિજ 11.90 ફૂટ
સમા -હરણી બ્રિજ 12.87 ફૂટ
વડસર બ્રિજ 9.77 ફૂટ