Vadodara

શહેરમાં શનિવાર સૌથી કોલ્ડેસ્ટ ડે રહ્યો,લઘુત્તમ તાપમાન 10°સે. રહ્યું

શનિવારે મહત્તમ તાપમાન 27.4 °સે.લઘુત્તમ તાપમાન 10.0°સે., જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 37%

આ અઠવાડિયામાં ગત મંગળવાર લઘુત્તમ તાપમાન 10.2°સે. રહ્યું હતું

શહેરમાં ગત સોમવારથી હાડ થીજાવતી ઠંડી પડી રહી છે હાલમાં પણ ઠંડીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે જે આગામી 23ડિસેમ્બર સુધી જોવા મળી શકે છે.હાલમા જે રીતે હિમાલય,હિમાચલ, જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઇ રહી છે જેના કારણે ઉત્તર ભારતના રાજ્યો તથા રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના અન્ય રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે . ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીને કારણે તાપમાનનો પારો નીચે જઇ રહ્યો છે.
ઠંડીનું પ્રમાણ વધતાં લોકો સમી સાંજે ઘરમાં પૂરાઇ જતાં રાત્રે રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે. રાત્રે ઠંડી નું જોર વધ્યું છે ત્યાં ઉત્તર દિશામાંથી આવતા ઠંડા બર્ફીલા પવનને કારણે દિવસે પણ લોકો જેકેટ, સ્વેટર, હાથ મોજા,ગરમ ટોપી મફલર પહેરીને નિકળી રહ્યા છે.રાત્રિ દરમિયાન તથા વહેલી સવારે લોકો કામ વિના ઠંડીમાં બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે.લોકો તાપણાં તથા હિટર ના સહારો લેતા થયા છે ત્યાં સુધી કે હવે ખુલ્લા મેદાનો,પાર્ટીપ્લોટ વિગેરે જગ્યાએ યોજાતા રાતના લગ્નપ્રસંગે ફરાસખાનાવાળાઓ પાસે ખાસ કરીને મહેમાનો માટે ઠંડીના રક્ષણ માટે તાપણાં ની વ્યવસ્થા કરવા અંગીઠી ની ડિમાન્ડ કરી રહ્યા છે. શહેરના સયાજીબાગ સ્થિત પ્રાણી સંગ્રહાલયમાં પણ પશુ પક્ષીઓને ઠંડીથી બચાવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તો બીજી તરફ કેટલાક સેવાભાવી સંસ્થાઓ, સંગઠનો દ્વારા શહેરના રેલવે સ્ટેશન,બસ સ્ટેશન, ફૂટપાથ પર રહેતાં ભિક્ષુકો, શ્રમજીવીઓ અથવા તો લાચાર લોકો માટે ધાબળાઓ આપવામાં આવી રહ્યાં છે.હવામાન વિભાગ દ્વારા આગામી 23 ડિસેમ્બર સુધી બર્ફીલા પવનોને કારણે હાડ થીજાવતી ઠંડી પડવાની આગાહી કરી છે તથા આગામી 16 ડિસેમ્બર થી 25ડિસેમ્બર વચ્ચે કેટલાક સ્થળોએ માવઠાની પણ શક્યતા વ્યક્ત કરાઇ છે.
વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા પણ બાળકો માટે સવારપાળી શાળાના સમયમાં ફેરફાર કરવાની માગ કરી છે જેથી વહેલી સવારે ઠંડીથી બાળકોને રક્ષણ મળી રહે.હાલમા સવાર પાળી શાળાઓમાં ઠંડીને કારણે બાળકોની હાજરીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.ત્યારે શનિવારે ઠંડીનું લઘુત્તમ તાપમાન 10.0°સે.જેટલુ રહેવા પામ્યું હતું જ્યારે આ અઠવાડિયામાં ગત મંગળવારે લઘુત્તમ તાપમાન 10.2°સે.જેટલુ નોંધાયું હતું.
ગતરોજ શનિવારે મહત્તમ તાપમાન 27.4°સે. રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન 10.0°સે.અને હવામાં ભેજનું પ્રમાણ 37% રહ્યું હતું.

Most Popular

To Top