ખાસ કરીને નોકરિયાત વર્ગ તથા અન્ય મુસાફરોને તકલીફ જ્યારે ઓટોરિક્ષા ચાલકો દ્વારા મનમરજી ભાડું વસૂલવામાં આવી રહ્યું છે
શહેરમાં ગત બુધવારે સવારથી આઠ કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના પગલે શહેરમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણીની અસર પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પર પણ પડી હતી અને તેના કારણે અનેક વાહનો બધ થતાં લોકો અટવાયા હતા. ખાસ કરીને શહેરમાં વરસાદી પાણી ભરાતા શહેરની વિનાયક લોજિસ્ટિક્સની તમામ સિટી બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી જેના પગલે નોકરિયાત અને અન્ય મુસાફરો અટવાયા હતા. સતત બીજા દિવસે વરસાદ બંધ છતાં કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી સિટી બસ સેવા બંધ રાખવામાં આવી હતી જેના કારણે બીજી તરફ મુસાફરોને ઓટોરિક્ષા, કેબનો સહારો લેવાની ફરજ પડી હતી. આવા સમયે ઓટોરિક્ષા વાળાઓ તથા ખાનગી કેબ ચાલકો દ્વારા મનમરજી ભાડું મુસાફરો પાસેથી વસૂલવામાં આવ્યું હોવાના આક્ષેપો લોકોએ કર્યા હતા. વિશ્વામિત્રી નદીના જળસ્તર ભયજનક સપાટી વટાવતા કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિઋ, મંગલ પાંડે રોડ, વડસર, જાંબુઆ બ્રિજ બંધ કરાતાં આ તમામ રૂટો પરની સિટી બસસેવા પ્રભાવિત થઈ છે જેના પગલે આ વિસ્તારના મુસાફરોને વધુ ભાડું ચૂકવવાની અથવાતો ઘરે જ રહેવાની ફરજ પડી છે.