હવામાન વિભાગ દ્વારા આગામી તા 12 જૂલાઇ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી
(પ્રતિનિધિ) વડોદરા તા. 08
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે વડોદરા શહેરમાં મંગળવારે રાત્રે આઠ વાગ્યા સુધીમાં 7મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આગામી તા 12 જૂલાઇ સુધી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત મધ્ય પૂર્વીય ભાગોમાં મધ્યમ થી ભારે વરસાદની આગાહી કરી છે.
હાલમાં ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય બની છે જેના કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ જોવા મળી રહી છે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી તા 12 જૂલાઇ સુધી મધ્યમ થી ભારે વરસાદની આગાહી કરી છે. વડોદરા શહેરમાં મંગળવારે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું સાથે જ સવારે 10 થી 2 વાગ્યા સુધીમાં 5મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં 2મીમી મળીને રાત્રે આઠ વાગ્યા સુધીમાં કુલ 7મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ 16.33 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે ત્યારે મંગળવારે રાત્રે આઠ વાગ્યા સુધીમાં સાવલી વડોદરા 7મીમી, ડભોઇ તાલુકામાં 4મીમી,કરજણ તાલુકામાં 7મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે સાવલી, વાઘોડિયા, પાદરા, શિનોર અને ડેસર તાલુકાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ હાથતાળી આપી હોય તેમ વરસાદ પડ્યો ન હતો. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે આજવા સરોવરની જળસપાટીમાં વધારો થયો હતો જેને લઇને વડોદરા મહાનગરપાલિકા ના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ,સ્થાઇ સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી સહિતના પાલિકાના પદાધિકારીઓએ આજવા સરોવરની મુલાકાત લીધી હતી.
શહેરના જળાશયોની જળસપાટી રાત્રે 8 વાગ્યા સુધીમાં (ફૂટમાં)
આજવા ડેમ 210.93 ફૂટ
પ્રતાપપુરા ડેમ 222.26 ફૂટ
વિશ્વામિત્રી નદીની વિવિધ સ્થળોની જળસપાટી રાત્રે 8 વાગ્યા સુધીમાં (ફૂટમાં)
અકોટા બ્રિજ 9.23 ફૂટ
બહુચરાજી બ્રિજ 1.10 ફૂટ
કાલાઘોડા 7.02 ફૂટ
મંગલ પાંડે બ્રિજ 7.03 ફૂટ
મુજમહુડા બ્રિજ 7.10 ફૂટ
સમા -હરણી બ્રિજ 7.16 ફૂટ
વડસર બ્રિજ 5.03 ફૂટ