શહેરમાં સિટી બસમાં જોખમી સવારી છતાં પ્રશાસન કેમ મૌન?
બસમાં આગળ પાછળના દરવાજામાં લટકીને જતાં મુસાફરોને કારણે ડ્રાઇવરને પાછળથી આવતા વાહનો સાઇડ ગ્લાસમાં જોવામાં પણ તકલીફ પડે છે



(પ્રતિનિધિ) વડોદરા તા. 25
શહેરમાં વિનાયક લોજિસ્ટિક્સ (વિટકોસ) બસમાં જોખમી સવારી સાથેની બસો દોડી રહી છે.ક્ષમતા કરતાં વધુ પેસેન્જર માટે એક તરફ ઓટોરિક્ષા,કાર અને ખાનગી ટ્રાવેલ્સની બસોમાં નિયમ છે તો બીજી તરફ સિટી બસમાં ક્ષમતાથી વધુ મુસાફરો ભરીને બસના દરવાજામાં લટકીને મુસાફરી કરતાં મુસાફરો સાથેની દોડતી બસો અન્ય વાહનો માટે, અંદર દરવાજામાં લટકીને મુસાફરી કરતાં મુસાફરો માટે જોખમી બની રહી છે છતાં ટ્રાફિક પોલીસ તથા પાલિકા પ્રશાસન કેમ આંખ આડા કાન કરી રહ્યું છે?
શહેરીજનોને એક સ્થળેથી બીજા સ્થળે લાવવા લઈ જવા માટે વિનાયક લોજિસ્ટીક્સ જે અગાઉ વિટકોસ નામે હતી તેને ઇજારો આપવામાં આવેલો હોય તે સિટી બસો ચાલી રહી છે.સામાન્ય રીતે બેસવાની સિટ કરતા આડેધડ મુસાફરો બેસાડવામાં આવે છે.જોખમી રીતે મુસાફરો દરવાજામાં ઠસોઠસ રીતે મુસાફરી કરતાં નજરે પડી રહ્યા છે જો જરાક પણ ધક્કો વાગે તો મુસાફરોનો જીવ જોખમાઇ શકે સાથે જ અન્ય લોકો માટે પણ જોખમી સ્થિતિ અથવાતો અકસ્માતની પરિસ્થિતિ ઉદભવી શકે છે તેમ છતાં ટ્રાફિક વિભાગ કે વિનાયક લોજિસ્ટિક્સ અને વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ ને નથી દેખાતું? શહેરમાં ઓટો રિક્ષા હોય, ખાનગી કાર અને ટ્રાવેલ્સની બસોમાં ક્ષમતા કરતાં વધુ પેસેન્જર બેસાડવા માટે દંડની જોગવાઈ છે પરંતુ સિટી બસમાં દરરોજના ક્ષમતાથી વધુ મુસાફરો સાથે જોખમી રીતે દોડતી બસો માટે કેમ કોઇ નિયમ નથી?અગાઉ સિટી બસના કારણે અકસ્માત થઇ ચૂક્યા છે તેમ છતાં સ્થાનિક પ્રશાસન ગંભીરતા દાખવતું ન હોય તેમ જણાય છે.ખિચોખિચ મુસાફરોથી બસમાં પાછળ દરવાજામાં લોકો લટકીને મુસાફરી કરી રહ્યા છે જેના કારણે બસના ડ્રાઇવરને સાઇડ ગ્લાસમાંથી પાછળથી આવતા,ઓવરટેક કરતા વાહનો દેખાય તેવી સ્થિતિ જ રહેતી નથી જેના કારણે અન્ય વાહનો માટે પણ સિટી બસ હવે જોખમી બની રહી છે.વિનાયક લોજિસ્ટિક ફક્ત નફો જુએ છે લોકોના જીવનની જાણે કોઇ પરવાહ નથી તેવું જણાય છે ત્યારે તંત્ર ક્યારે આ દિશામાં ગંભીરતાથી વિચારશે?
