રાજ્યમાં ગત સોમવારથી રાબેતામુજબ ચોમાસું બેસી ગયું છે અને રાજ્યના કેટલાક ભાગોમાં હળવો તો કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મધ્ય ગુજરાતમાં હાલ હળવો વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ગુરુવાર તથા શુક્રવારે વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ગુરુવારે સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં 13મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે વાઘોડિયા તાલુકામાં 2મીમી, ડભોઇમાં 9મીમી, પાદરા તાલુકામાં 8 મીમી,કરજણ તાલુકામાં 14મીમી, અને શિનોર તાલુકામાં 10મીમી વરસાદ નોંધાયો છે. વડોદરા શહેરમાં મોસમનો કુલ વરસાદ 81મીમી નોધાયો છે. રાજ્યમાં હાલમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેનાથી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.