ત્રણેયને મોઢાનાં ભાગે, પગમાં, માથામાં તથા હાથના ભાગે ઇજા પહોંચતા એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા
ઉતરાયણ બાદ પતંગના દોરાથી કેબલ કપાયો હોવાનું લોક અનુમાન
(પ્રતિનિધિ) વડોદરા તા. 24
શહેરના જેતલપુર બ્રિજ નીચે ગત 23મી જાન્યુઆરીના રોજ મધરાતે સ્કૂટર પર પસાર થતા ત્રણ યુવકોને રોડ પર કેબલ ફસાતાં ઇજાગ્રસ્ત થયા હતા જેઓને ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.
શહેરમાં ઉતરાયણ પર્વ પૂર્ણ થયે દસ દિવસ થયા છે પરંતુ પતંગના દોરાથી નુકસાન થવાનો સિલસિલો વણથંભ્યો જોવા મળી રહ્યો છે ત્યારે ગત તા. 23 મી જાન્યુઆરીના રોજ મધરાતે સાડા બાર વાગ્યાના સુમારે 23 વર્ષીય શનિ ગોસ્વામી, 35 વર્ષીય રાજેશ કુમાર ભગવતીપ્રસાદ રાજપૂત તથા શહેરના દિવાળીપુરા રોડ ખાતે આવેલા ગૌરવ પાર્કમાં રહેતા 22વર્ષીય નવાબ અલી અંસારી જેતલપુર બ્રિજ નીચે આવેલા મચ્છી માર્કેટ પાસેથી સ્કૂટર પર સવાર થઈ જતાં હતાં તે દરમિયાન અચાનક તૂટીને લટકી ગયેલ કેબલ સ્કૂટર ચાલકના ગળામાં ભાગે ફસાતાં શનિ ગોસ્વામીને જમણા પગના ઢીંચણમાં તથા રાજેશકુમાર રાજપૂતના મોઢાના ભાગે તથા નાકમાં ઇજાને કારણે લોહીલુહાણ થઇ ગયો હતો જ્યારે નવાબ અલી અંસારી ને જમણી બાજુના કપાળ તથા ડાબા હાથમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડ્યા હતા જ્યાં સારવાર હેઠળ તેઓ ભાનમાં હોવાનું તથા તબિયતમાં સુધારો હોવાનું જાણવા મળ્યું છે.