Columns

શિક્ષણના અનૈતિક વેપારનો ગ્રાહક છે ‘મધ્યમવર્ગ‘

પાેતાને વિશ્વગુરુ તરીકે ઓળખાવતો દેશ પેપર ફૂટ્યા વિના એક પરીક્ષા લઈ શકતો નથી. લગભગ દરેક પરીક્ષાના પેપર ફૂટી જાય છે. આને કારણે તો હવે સાધનસંપન્ન પરિવારોનાં બાળકો ભણવા માટે વિદેશ જવા લાગ્યા છે. બ્યુરો ઓફ ઈમિગ્રેશનના અહેવાલ મુજબ 2021ની સાલમાં ચાર લાખ 44 હજાર ભારતીય વિદ્યાર્થીઓ ભણવા માટે વિદેશ ગયા હતા અને 2022માં સાત લાખ 50 હજાર ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ ગયા હતા. એક વરસમાં લગભગ 90%નો વધારો. આની સામે વિશ્વગુરુ પાસે દીક્ષિત થવા કેટલા વિદેશી વિદ્યાર્થીઓ આવે છે? 2021ની સાલમાં 22,149 વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા આવ્યા હતા અને 2022ની સાલમાં 31,910 વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા માટે આવ્યા હતા. આ વિદેશી વિદ્યાર્થીઓ એવા દેશોના છે જે શૈક્ષણિક સુવિધામાં ભારત કરતાં પણ પાછળ છે. સુદાન, અફઘાનિસ્તાન વગેરે. મુખ્યત્વે આફ્રિકન દેશોના વિદ્યાર્થીઓ. જયારે IIT, IIM, AIMS અને JNU જેવી વિશ્વપ્રસિદ્ધ શિક્ષણસંસ્થાઓનું ભગવાકરણ થઈ ગયું હોય અને તેમાં પ્રાચીન યુગમાં ભારતમાં પ્લાસ્ટિક સર્જરી થતી હતી (ગણપતી તેનું ઉદાહરણ છે) એવું ખાસ દિવ્ય શિક્ષણ આપવામાં આવતું હોય ત્યાં સગવડ ધરાવતો વિદ્યાર્થી શા માટે ભણે!
શા માટે પેપર ફૂટે છે? શા માટે શૈક્ષણિક માફિયાગીરી પર આધારિત ‘કોટા ફેક્ટરી’ જેવી વેબ સીરીઝ બને છે? શા માટે ભારતભરમાં કોચિંગ કલાસીસનો રાફડો ફાટ્યો છે? શા માટે મોંઘીદાટ ખાનગી યુનીવર્સીટીઓ સ્થપાઈ રહી છે? એ પછી પણ શા માટે વિદ્યાર્થીઓ ભારત છોડીને વિદેશ ભણવા જઈ રહ્યા છે અને તેની સંખ્યા વરસે વરસે બમણી થઈ રહી છે? અને શા માટે ગરીબ દેશોને છોડીને કોઈ ભારતમાં ભણવા આવતું નથી? અને હજુ મહત્ત્વનો પ્રશ્ન: આમાં ભારતનાં લગભગ 70% ગરીબ લોકોનાં બાળકો ક્યાં છે? તેમની પાસે વિદેશ જવાનો વિકલ્પ નથી, ખાનગી યુનિવર્સીટીઓમાં દાખલ થવાનો વિકલ્પ નથી, કોટા શહેરના કે બીજા કોઈ પણ કોચિંગ કલાસીસમાં દાખલ થઈને સજ્જ થવાનો વિકલ્પ નથી, પેપર ખરીદવાનો વિકલ્પ નથી, ગ્રેસ માર્ક્સ ખરીદવાનો વિકલ્પ નથી અને એ પછી પણ પાસ થાય અને સરકારી અનુદાન લેતી કોલેજમાં પ્રવેશ ન મળે તો વિના અનુદાનવાળી ખાનગી કોલેજમાં પ્રવેશ મેળવવાનો વિકલ્પ નથી, કારણ કે ફી પરવડે એમ નથી. ગરીબોનાં 90% બાળકો તો દસમાં કે બારમાં ધોરણ પછી ભણતરની રેસમાંથી બહાર નીકળી જાય છે.
તો પછી આ તમાશો કોના માટે થઈ રહ્યો છે? 70% પરિવારોના વિદ્યાર્થીઓ તો બહાર છે. શ્રીમંતોનાં સંતાનો ખાનગી યુનિવર્સીટીઓમાં દાખલ થઈને કે વિદેશ જઈને પોતાનો રસ્તો કાઢી લે છે. આ જે શિક્ષણનો અનૈતિક વેપાર ચાલી રહ્યો છે એનો ગ્રાહક મધ્યમવર્ગ છે. અને હું ખાતરીપૂર્વક કહું છું કે તેમાંના 80% લોકો દેશભક્ત છે. રાષ્ટ્રવાદી છે. ધાર્મિક છે. તેઓ દેશભક્ત એટલા માટે છે કે તેઓ અનૈતિકતાની બજારના ગ્રાહકો છે અને તેને તે છૂપાવવા માગે છે. “કરવું પડે શું થાય! ફલાણા (બ્રાહ્મણ હોય તો બીસી કે પછાત, ઉત્તર ભારતીય હોય તો લુંગી વગેરે) સીટ મારી જાય છે.” દરેક પાસે અનૈતિક વેપારમાં ગ્રાહક બનવા માટેનાં કારણો છે અને તેને છૂપાવવા તેઓ દેશભક્તિનો અને ધાર્મિકતાનો અંચળો ઓઢે છે. માત્ર કલ્પના કરી જુઓ કે 70% ભારતીયોનાં સંતાનો હજુ તો બહાર છે અને શિક્ષણની બજારમાં આવ્યા નથી, પણ એ જો બજારમાં હોત તો શું થાત! હરીફ તેજસ્વી વિદ્યાર્થીઓને રસ્તા પરથી દૂર કરવા માટે ખૂન થાત. કોચિંગ ક્લાસના માલિકોનાં અને શિક્ષકોનાં તો અત્યારે ખૂન થવા લાગ્યાં છે અને આવતીકાલે તેજસ્વી વિદ્યાર્થીઓનાં ખૂન થવા લાગે તો નવાઈ નહીં પામતા.
પણ લાખ રૂપિયાનો સવાલ હવે આવે છે. શા માટે ભારતનો મધ્યમવર્ગ ડીગ્રી પાછળ ગાંડો થયો છે? શા માટે એમાં તેને પોતાનાં સંતાનનું કલ્યાણ દેખાય છે? કેટલાંક વરસ પહેલાં વડા પ્રધાને કોઈ ટીવી ચેનલને યોગ્ય જ કહ્યું હતું કે કોઈ યુવાન ભજીયાં વેચીને ગુજરાન ચલાવતો હોય તો એ રોજગાર કહેવાય કે નહીં? એ કથન માટે ખોટી રીતે વડા પ્રધાનની ઠેકડી ઉડાડવામાં આવે છે. એ રોજગાર કહેવાય જ, પણ સમસ્યા એ છે કે એવા રોજગારની પ્રતિષ્ઠા નથી. જે કામની પ્રતિષ્ઠા ન હોય એ કોઈ કરવા માગતું નથી અને એમાં મધ્યમવર્ગે તો પોતાને કહેવાતી સંસ્કારીતાના પ્રસાધનો દ્વારા એવો શણગાર્યો છે કે તે આવાં કામની કલ્પના પણ ન કરી શકે. માટે તેને એમ લાગે છે કે કોઈ સારી ડીગ્રી મળી જાય તો દીકરાનો બેડો પાર થઈ જાય. માટે તે અનૈતિકતાની બજારમાં ગ્રાહક તરીકે ઉભો છે અને શિક્ષણના વેપારને હજુ વધુ અભડાવે છે. નીચે લઈ જાય છે. બજાર મોટું છે અને વેપાર જબરો છે એટલે નેતા, બાબુ, માસ્તરો અને માફિયાઓની સાંઠગાંઠ વિકસી છે. કૌભાંડો તો થવાનાં જ!
અહી પેલો ડોસો આવી પહોંચવાનો. એ માણસ મર્યા પછી પણ પીંડ છોડતો નથી. તેમણે લગભગ સો વરસ પહેલાં કહ્યું હતું કે ડીગ્રી નહીં, શ્રમની પ્રતિષ્ઠા વધારો. કોઈ શ્રમિકને એમ ન લાગવું જોઈએ કે તે ઓછું મહત્ત્વનું કે નાનું કામ કરી રહ્યો છે. મારી દીકરી પોટરીવર્ક કરતી હોય તો આર્ટીસ્ટ તરીકે ઓળખાય, પણ એ જ કામ કરનારો કુંભાર વસવાયો (કાઠીયાવાડમાં વહવાયો જે વ્યવસાયનું અપભ્રંશ છે) કહેવાય. હાથથી બનાવેલ શ્રમજન્ય ઉત્પાદનમાં કુનેહ (એટલે કે આર્ટ, સાયન્સ, ટેકનોલોજી અને એન્જિનિયરીંગ) નથી? બધું જ છે. સૌંદર્ય એટલે કે એસ્થેટિક પણ છે, પણ આપણે ત્યાં શ્રમની પ્રતિષ્ઠા નથી. કૌશલ્યવાન અભણ કે અલ્પશિક્ષિત તરીકે ઓળખાય છે. બધાને ડીગ્રી જોઈએ છે અને નોકરી કરીને સલામત જિંદગી જીવવી છે. એમાં જો સરકારી નોકરી મળે તો ગંગા નાહ્યા. ડીગ્રી પાછળ દોટ મૂકતી શિક્ષણ વ્યવસ્થાએ સાચી કેળવણી નહીં, યેનકેન પ્રકારે માર્ક્સ અંકે કરનારી અને સલામત જિંદગી જીવનારી નિર્વીર્ય પ્રજા પેદા કરી છે જે અનીતિના વેપારમાં ગ્રાહક બનીને ન આવે તો બીજું શું કરે! ગ્રાહક પિતા પોતે જ તેની આવી એક પેદાશ છે. કદાચ ત્રીજી પેઢી છે.
ગાંધીજીએ બીજી વાત એ કહી હતી કે શારીરિક શ્રમનું ન હોવું કે નહીંવત હોવું એ વિકાસ નથી. કોઈ કામ કુશળતાપૂર્વક અને આનંદપૂર્વક થાય એ માટે તેને જેટલું સહેલું બનાવી શકાતું હોય એટલું ચોક્કસ કરવું જોઈએ, પણ સાવ શ્રમ જ ન કરવો પડે એ વિકાસ નથી. નવરો માણસ શેતાની પ્રવૃત્તિ કરે છે. ટેકનોલોજીએ કામ છીનવી લીધું છે એટલે નવરો યુવક વોટ્સેપ યુનિવર્સીટીમાં શિક્ષિત દીક્ષિત થાય છે. કોઈકના ઘરમાં ડોકિયાં કરે છે. જાણે કે અજાણે જુઠાણાં ફેલાવે છે. વર્તમાનથી ભાગવા કોઈકે કલ્પેલા ભવ્ય ઈતિહાસની સોડમાં લપાઈ જાય છે. આજે મધ્યમવર્ગના લગભગ દરેક ઘરમાં આ સ્થિતિ જોવા મળે છે. તેઓ માત્ર અનૈતિક શૈક્ષણિક વ્યાપારના ગ્રાહક નથી, ઝેરી રાજકારણના પણ ગ્રાહક છે.
છેલ્લે ફરી એકવાર યાદ અપાવી દઉં. હજુ 70% ગરીબ લોકોનાં સંતાનો તો ડીગ્રી અને નોકરીની બજારમાં આવ્યા જ નથી. એ જો માર્કેટમાં હોત તો શું થાત!

Most Popular

To Top