15માં નાણાપંચની ગ્રાન્ટ હેઠળ ₹3.43 કરોડનો પ્રોજેક્ટ; 40 ઈંચની નવી લાઈન નાખાતાં ચોમાસામાં પાણીના ભરાવાની અને ગંદકીની સમસ્યા દૂર થશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 16માં ગુરુકુળ ચાર રસ્તાથી નેશનલ હાઇવે સુધી વરસાદી ગટર ની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી પાછળ ₹3.43 કરોડનો ખર્ચ કરવામાં આવશે. હાલમાં આ મહત્વના રસ્તા પર વરસાદી ગટરની સુવિધા ન હોવાથી ચોમાસા દરમિયાન ભારે વરસાદી પાણી ભરાઈ જાય છે, જેના કારણે સ્થાનિક નાગરિકોની હાલત કફોડી બની જાય છે.
ગુરુકુળ ચાર રસ્તાથી હાઇવે સુધીના અંદાજે 27 મીટરના રસ્તાની બંને બાજુ યોગીરાજ ટાઉનશીપ, નીલામ્બર ટાઉનશીપ, સિધ્ધેશ્વર હેલીકોમ, પર્ણકુટીર, પ્રથમ રેસીન્સી, આદિત્ય ઓર્બીટ ફ્લેટ જેવી અનેક મોટી સોસાયટીઓ આવેલી છે. આ વિસ્તારમાં અંદાજે 4થી 5 હજાર જેટલા પરિવારો વસવાટ કરે છે. વરસાદી ગટરની સુવિધાના અભાવે પાણી ભરાવા ઉપરાંત, અપૂરતી અને કાચી,ખુલ્લી કાંસના કારણે સમગ્ર વિસ્તારમાં ખુબજ દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ રહેતો હતો. આ સમસ્યાઓના કારણે સ્થાનિક નાગરિકો દ્વારા લાંબા સમયથી આ રસ્તે નવી વરસાદી ગટર નાખવા અંગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી હતી.
નાગરિકોની રજૂઆતો અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, VMC દ્વારા વરસાદી ગટરના કામો માટેના એમ્પેનલ્ડ કન્સલટન્ટ તરફથી આ કામ સૂચવવામાં આવ્યું હતું. હાલમાં ગુરુકુળ ચાર રસ્તાથી હાઇવે સુધી અંદાજે 1500 મીટર જેટલી લંબાઈમાં 40 ઇંચ ડાયામીટરની વરસાદી ગટર લાઈન નાખવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રોજેક્ટ 15માં નાણાપંચની ગ્રાન્ટ હેઠળ હાથ ધરવામાં આવી રહ્યો છે.
VMCના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કામગીરી પૂર્ણ થતાં ચોમાસામાં ભરાતા વરસાદી પાણીનો ઝડપથી અને કાર્યક્ષમ રીતે નિકાલ શક્ય બનશે. જેના પરિણામે હજારો પરિવારોને ચોમાસા દરમિયાન પડતી હાલાકી, જળબંબાકારની સ્થિતિ અને દુર્ગંધ તથા મચ્છરોનો ત્રાસ જેવી ગંભીર સમસ્યાઓમાંથી મોટી રાહત મળશે. આ પ્રોજેક્ટથી પૂર્વ વિસ્તારના આ મુખ્ય માર્ગ પરના રહેવાસીઓના જીવનની ગુણવત્તામાં સુધારો થશે.