Vadodara

વોર્ડ-13 ના ખાડિયાપોળમાં નવી પાઈપલાઈનમાં ભ્રષ્ટાચારની ‘ગંધ’

સામાજિક કાર્યકરે ખાડામાં 500ની નોટો મૂકી નોંધાવ્યો વિરોધ

નવી નલિકા નાખ્યા છતાં પાણીનું પ્રેશર શૂન્ય; વારંવાર પડતા પંચરોને લીધે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા પાલિકાની સાંઠગાંઠના આક્ષેપો

વડોદરા: સ્માર્ટ સિટી વડોદરાના વોર્ડ નંબર-13 માં સમાવિષ્ટ ખાડિયાપોળ 1 અને 2 માં પાલિકાની મિલીભગત અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લાખોના ખર્ચે નવી પાણીની લાઇન નાખ્યાના ગણતરીના દિવસોમાં જ ઠેર-ઠેર પંચરો પડતા અને પાણીનું પ્રેશર ન મળતા સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો હતો. આ દરમિયાન એક સામાજિક કાર્યકરે ખોદેલા ખાડા પર 500-500 રૂપિયાની નોટો મૂકીને “કોન્ટ્રાક્ટર અને પાલિકા માલામાલ” હોવાનો કટાક્ષ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યકરોમાં વ્યાપેલો રોષ આજે રસ્તા પર જોવા મળ્યો હતો. સામાજિક કાર્યકર દ્વારા જ્યાં નવી લાઇનમાં પંચર પડ્યું હતું અને ખોદકામ કરવામાં આવ્યું હતું, તે ખાડા પર 500 રૂપિયાની નોટો મૂકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમનો આક્ષેપ છે કે, “પાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરને આર્થિક ફાયદો કરાવવા માટે હલકી ગુણવત્તાનું કામ મંજૂર કરી રહ્યા છે. જનતાના પૈસા આ રીતે ખાડામાં જઈ રહ્યા છે.”
વિસ્તારમાં એવી જોરદાર ચર્ચા છે કે નવી લાઇન નાખવાના નામે માત્ર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જો મટીરિયલ સારી ગુણવત્તાનું હોય તો નવી જ લાઇનમાં પંચરો કેમ પડે? રહીશો પૂછી રહ્યા છે કે શું કોન્ટ્રાક્ટરને બચાવવા માટે તંત્ર જાણીજોઈને મૌન સેવી રહ્યું છે? વારંવાર રિપેરિંગના નામે પણ કોન્ટ્રાક્ટરના બિલ પકવવાનો આ ખેલ હોવાનું રહીશો માની રહ્યા છે.
સ્થાનિકોની માગ છે કે આ સમગ્ર કૌભાંડની તપાસ વિજિલન્સ તપાસ કરવામાં આવે, જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને રહીશોને તાત્કાલિક પૂરતા પ્રેશરથી પાણી પૂરું પાડવામાં આવે. જો આગામી દિવસોમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

નવી લાઇન માત્ર કાગળ પર ‘નવી’, કામગીરી ‘જૂની પુરાણી‘…
​ખાડિયાપોળ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના ઉકેલ માટે નવી પાઇપલાઇન નાખવામાં આવી હતી. જોકે, કામ પૂર્ણ થયા બાદ રહીશોની મુસીબતો ઘટવાને બદલે વધી છે.
*​લો-પ્રેશરનો માર: નવી લાઇન હોવા છતાં રહીશોને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી, જેના કારણે ઉનાળા પહેલા જ પાણીની તંગી સર્જાઈ છે.
*​ગુણવત્તા પર સવાલ: લાઇન નવી હોવા છતાં તેમાં વારંવાર પંચરો પડી રહ્યા છે. વારંવાર થતા લીકેજને લીધે રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય સ્થપાયું છે.

કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે લોકોને તરસ્યા રખાય છે

“એક તરફ સ્માર્ટ સિટીની વાતો થાય છે અને બીજી તરફ નવી પાઈપલાઈનમાં પણ ભ્રષ્ટાચાર થાય છે. અમે ટેક્સ ભરીએ છીએ અને બદલામાં અમને ખાડા અને લો-પ્રેશર મળે છે. કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે પ્રજાને તરસ્યા રાખવામાં આવી રહી છે.” – સ્થાનિક સામાજિક કાર્યકર રાજેશ માળી

Most Popular

To Top