Vadodara

વોર્ડ 13માં પાલિકાની ટીમે મુખ્ય બજાર વિસ્તારમાં દબાણો પર સપાટો બોલાવ્યો

વેપારીઓ સાવધાન! દબાણ કરશો તો ભરવો પડશે દંડ

ફૂટપાથ-રસ્તા ખાલી રાખવા પાલિકાની ચેતવણી, ગંદકી કરનાર સામે પણ કડક વલણ
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરૂણ મહેશ બાબુના સીધા આદેશને અનુસરીને શહેરમાં સ્વચ્છતા અભિયાન સાથે દબાણ હટાવવાની કાર્યવાહી તેજ બની છે. ખાસ કરીને શહેરના ખંડેરાવ માર્કેટ અને આસપાસના વિસ્તારોમાં બુધવારે પાલિકાની ટીમે મોટો સપાટો બોલાવ્યો હતો.

ફૂટપાથ પર દબાણ કરી ગ્રાહકો માટે અવરજવર મુશ્કેલ બનાવતા દુકાનદારો તથા રસ્તા પર ગંદકી ફેલાવતા લારી ગલ્લા ધારકો સામે સીધી કાર્યવાહી હાથ ધરાઈ હતી. પાલિકાની ટીમે સ્થળ ઉપર હાજર રહી દુકાનદારોને દંડ ફટકાર્યો તેમજ દબાણ દૂર કરવા માટે નોટિસ પણ પાઠવી હતી.

આ કાર્યવાહી વોર્ડ નં. 13ના સેનેટરી ઇન્સ્પેક્ટર તુલસી સોલંકીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ. તેમણે જણાવ્યું હતું કે કમિશ્નરના માર્ગદર્શન મુજબ હવે શહેરના દરેક ઝોનમાં આવી કામગીરી સતત હાથ ધરાશે. ગંદકી કે દબાણ સહન કરવામાં નહીં આવે અને નિયમનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી સાથે કાયદેસરની નોટિસ અપાશે.

પાલિકા દ્વારા કરવામાં આવેલી આ અચાનક કાર્યવાહીથી દુકાનદારોમાં હલચાલ મચી ગઈ હતી. પાલિકાના અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં ફરીથી દબાણ કે ગંદકી જોવા મળશે, તો વધુ કડક પગલાં લેવાશે.



સ્થાનિક નાગરિકોનું માનવું છે કે આવી સખત કાર્યવાહીથી ફૂટપાથ અને રસ્તાઓ પરની ભીડ તથા ગંદકીમાં ઘટાડો થશે અને સામાન્ય જનતા માટે અવરજવર સરળ બનશે.

Most Popular

To Top