Vadodara

વોર્ડ નં. 16માં ગંદકી અને ખરાબ રસ્તાના મુદ્દે પૂર્વ કાઉન્સિલરે ભાજપના ‘હોદ્દેદારો’ ને આડે હાથ લીધા

વિપક્ષને ફોન કરીએ તો દોડી આવે છે, પણ શાસકો ગુમ”: ડભોઈ રોડ પર ભાજપના આંતરિક ડખ્ખા સપાટી પર આવ્યા

વડોદરા શહેરમાં આજે એક તરફ ભારતરત્ન અટલબિહારી બાજપાઈજીની જન્મજયંતી નિમિત્તે ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ વોર્ડ નંબર 16માં પૂર્વ કાઉન્સિલરે જ પક્ષના કાર્યકરો અને હાલના કાઉન્સિલરો સામે મોરચો માંડતા રાજકારણ ગરમાયું છે. ડભોઈ રોડ સ્થિત ભરત વાડી ખાતે આયોજિત સ્વચ્છતા અભિયાન દરમિયાન પૂર્વ કાઉન્સિલર સાવિત્રીબેન શર્માએ પોતાની જ પાર્ટીના શાસકો સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી ઉધડો લીધો હતો.
સાવિત્રીબેન શર્માએ જાહેરમાં આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, વોર્ડ નં. 16માં સમસ્યાઓની ભરમાર છે પરંતુ સ્થાનિક કાઉન્સિલરો સ્નેહલબેન પટેલ અને ઘનશ્યામ સોલંકી ક્યાંય દેખાતા નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, “આ પ્રતિનિધિઓ માત્ર ચૂંટણી સમયે વોટ માંગવા માટે જ બહાર આવે છે, ત્યારબાદ પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે તેમની પાસે સમય નથી. ગજરાવાડીથી લઈ સોમતળાવ સુધીના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે અને ગટરો ઉભરાઈ રહી છે.”
પૂર્વ કાઉન્સિલરે ભાજપના શાસકો પર પ્રહાર કરતા વિપક્ષની કામગીરીના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, “અહીં શાસક પક્ષના લોકો સાંભળતા નથી, જ્યારે વિપક્ષના નેતાને એક ફોન કરીએ તો તેઓ તુરંત દોડી આવે છે. આજે મારે પૂર્વ કાઉન્સિલર હોવા છતાં ફરિયાદ કરવી પડે છે એ જ બતાવે છે કે સ્થિતિ કેટલી ગંભીર છે. વિસ્તારના લોકો પણ આ કાઉન્સિલરોને ઓળખતા નથી કે ક્યારેય જોયા નથી.”
આ પ્રસંગે સાવિત્રીબેને વોર્ડ પ્રમુખ અને ભાજપના અન્ય કાર્યકરોને પણ આડે હાથે લીધા હતા. સત્તાધારી પક્ષના જ પૂર્વ કાઉન્સિલર દ્વારા કરવામાં આવેલા આ વિરોધને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે.

:- મુખ્ય મુદ્દાઓ અને ફરિયાદો:
*​રસ્તા અને ગટર: ગજરાવાડી થી સોમતળાવ સુધીના માર્ગોની અત્યંત ખરાબ હાલત અને *ઉભરાતી ગટરો.
​જનસંપર્કનો અભાવ: ચૂંટાયેલા કાઉન્સિલરો વિસ્તારની મુલાકાત લેતા નથી.
*​વિકાસની રુંધાયેલી ગતિ: વોર્ડમાં પાયાની સુવિધાઓનો અભાવ અને ગંદકીના ગંજ.

Most Popular

To Top