વડોદરા: શહેરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન કરતી ગાડીઓના ડ્રાઇવરની મનમાની સામે આવી છે. વોર્ડ નં13 વિસ્તારમાં આવેલા ગનુ બકરીના ખાંચામા તથા લક્કડપીઠા,હરિભક્તિ વાડી સહિતના વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટેની ગાડી આવે છે પરંતુ ડ્રાઇવર મનમાની કરી ગાડી ઉભી રાખતો ન હોવાથી છેલ્લા પાંચ દિવસથી કચરો એકત્રીત થઈ જતાં સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.

અહીં સિનિયર સિટીઝન્સ ઉપરના માળેથી નીચે આવતા સુધીમાં ડોર ટુ ડોર કચરાની ગાડીનો ડ્રાઇવર ગાડી લઈને નીકળી જાય છે. ગાડીનો નિશ્ચિત સમય પણ હોતો નથી જેથી સ્થાનિકો દ્વારા કાઉન્સિલર બાળુભાઇ સૂર્વે ને રજૂઆત કરતાં સમગ્ર મામલે સ્થાનિક કાઉન્સિલર સ્થળ પર જાતે આવીને આ બાબતને જોઇ આગળ અધિકારીઓ ને રજૂઆત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડોક દિવસ અગાઉ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ સ્થિત બાપોદ જકાતનાકા ની સોસાયટીમાં પાંચ દિવસ સુધી ડોર ટુ ડોર કચરાની ગાડી આવી ન હતી અને હવે વહેલી સવારે ગાડી આવીને ઉભી રહેતી નથી.શહેરમા ડોર ટુ ડોર કચરાની ગાડીના કોન્ટ્રાકટર બદલાતા ઘણા વિસ્તારોમાં કચરા કલેક્શન કરતી ગાડીઓના ડ્રાઇવરોની મનમાની અને દાદાગીરી સામે આવી રહી છે ત્યારે આ બેફામ બનેલા ડોર ટુ ડોર કચરાની ગાડીના ડ્રાઇવરો પર અંકુશ ક્યારે મૂકાશે?