MeitYની ચેતવણી, CERT-Inએ ‘હાઈ રિસ્ક’ જાહેર કર્યો
વડોદરા: આજના ડિજિટલ યુગમાં વોટ્સએપ આપણા રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બની ગયું છે. પરંતુ હવે હેકર્સ વોટ્સએપની ‘Linked Devices’ સુવિધાનો દુરુપયોગ કરીને નવી ઠગાઈ કરી રહ્યા છે, જેને ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ કહેવામાં આવે છે. આ સ્કેમમાં તમારું વોટ્સએપ એકાઉન્ટ અદૃશ્ય રીતે અન્ય ડિવાઈસ સાથે લિંક થઈ જાય છે અને તમને ખબર પણ પડતી નથી.

ભારત સરકારના Ministry of Electronics and Information Technology (MeitY) હેઠળ કાર્યરત CERT-In દ્વારા આ સ્કેમ અંગે CIAD-2025-0055 નંબરની એડવાઈઝરી (તા. 19 ડિસેમ્બર, 2025) જાહેર કરવામાં આવી છે. તેમાં આ જોખમને ‘High Severity’ ગણાવવામાં આવ્યું છે.
ઘોસ્ટ પેયરિંગ સ્કેમ શું છે અને કેવી રીતે થાય છે?

હેકર્સ તમને ઓળખીતાની જેમ મેસેજ મોકલે છે—“આ ફોટો જુઓ” જેવી લાલચભરી લિંક સાથે. લિંક પર ક્લિક કરતાં તમે નકલી વેબસાઈટ પર પહોંચી જાઓ છો, જ્યાં ફોન નંબર ‘વેરિફાય’ કરવા કહેવામાં આવે છે. નંબર નાખતાં જ વોટ્સએપનું ડિવાઈસ લિંકિંગ પ્રોસેસ શરૂ થાય છે અને 8 અંકનો કોડ નાખતા જ તમારું એકાઉન્ટ હેકરના બ્રાઉઝર સાથે જોડાઈ જાય છે—આ જ છે ‘ઘોસ્ટ પેયરિંગ’.
હેકર્સ ક્યારેક QR કોડ સ્કેન, સ્ક્રીન શેરિંગ, અથવા Link with Phone Number ફીચરનો પણ દુરુપયોગ કરે છે. જાહેર Wi-Fi પર વોટ્સએપ વેબ વાપરવાથી બ્રાઉઝર કુકિઝ ચોરી થવાનો જોખમ પણ રહે છે.
બચાવ માટે શું કરવું? (સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરની સલાહ)
*Linked Devices તપાસો – અજાણી ડિવાઈસ દેખાય તો તરત Log Out કરો.
*Two-Step Verification ચાલુ કરો અને ઈમેલ એડ્રેસ ઉમેરો.
*બાયોમેટ્રિક લોક સક્રિય રાખો (ફિંગરપ્રિન્ટ/ફેસ આઈડી).
*અજાણ્યા કોડ ક્યારેય ન નાખો – કોઈને પણ OTP ન આપો.
*શંકા થાય તો તરત support@whatsapp.com પર સંપર્ક કરો અને 1930 પર ફરિયાદ નોંધાવો.
*સાવચેત રહો—એક ક્લિક તમારી ડિજિટલ ઓળખ જોખમમાં મૂકી શકે છે.