વોર્ડ નં 12 થી વર્ષે મહાનગરપાલિકાને કરોડો રૂપિયાની આવક છતાં પાંચ વર્ષથી બિલ ગામના મુખ્ય માર્ગે પડેલા ખાડાઓ સ્થાનિકોમાં રોષ અને અસંતોષ ફેલાવી રહ્યા છે
વડોદરા: વડોદરા શહેરની સીમાઓમાં આવતું બિલ ગામ છેલ્લા પાંચ વર્ષથી મૂળભૂત સુવિધાઓના અભાવનો સામનો કરી રહ્યું છે. ખાસ કરીને બિલ ગામથી ભાયલી તરફ જતો મુખ્ય માર્ગ આજે ભારે ખાડાઓથી ઘેરાઈ ગયો છે. રાહદારીઓને દરરોજ જીવ જોખમી મુસાફરી કરવી પડે છે, તો બીજી તરફ આ વિસ્તારના રહીશો અને વાહનચાલકો ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

2020માં વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાત જેટલી ગ્રામ પંચાયતનો સમાવેશ શહેરની હદમાં કરવામાં આવ્યો હતો. જેમાં બિલ ગામનો પણ સમાવેશ થાય છે. આ સમાવેશ બાદ મહાનગરપાલિકા નિયમિત રીતે વેરો વસૂલે છે. અંદાજે દર વર્ષે માત્ર વોર્ડ નંબર 12માંથી જ 200 કરોડ રૂપિયાની આવક પાલિકા ખાતામાં થાય છે. તેમ છતાં પાંચ વર્ષ પૂર્ણ થયા છતાં બિલ વિસ્તારમાં વિકાસના નામે કોઈ ખાસ કામગીરી થઈ નથી, તેમ સ્થાનિકોનો આક્ષેપ છે.

બિલ ગામનો મુખ્ય માર્ગ હાલ એટલો દયનીય હાલતમાં છે કે રસ્તા પર માત્ર ખાડા જોવા મળે છે. વરસાદી સિઝનમાં સ્થિતિ વધુ પડતી વિકટ બની રહે છે. આ માર્ગ પરથી રોજ સૈંકડો વાહન વ્યવહાર કરે છે, પરંતુ ખાડાઓને કારણે અકસ્માતનો ભય સતત વરસી રહ્યો છે. વાહનોને ભારે નુકસાન પણ વેઠવું પડે છે.

આ વિસ્તારમાં હાલ મોટા પાયે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અનેક બિલ્ડરો દ્વારા રહેણાંક યોજનાઓ ઉભી કરવામાં આવી રહી છે અને નવાં ઘર ખરીદીને ઘણા લોકો પોતાનું ‘સપનાનું ઘર’ અહીં વસાવી રહ્યા છે. પરંતુ શહેરની અંદર હોવા છતાં તેમને મૂળભૂત સુવિધાઓ નહીં મળતા ગ્રામિણ વિસ્તારોમાં રહેવાનો અનુભવ થઈ રહ્યો છે.
વિશેષ એ છે કે રાજ્ય સરકાર તરફથી તો ગામડાઓમાં પણ આર.સી.સી.ના રસ્તા બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ અહીં, શહેરના વિકસતા વિસ્તારમાં, મુખ્ય માર્ગ જ ખાડાઓમાં તબદીલ થઈ ગયો છે. પાંચ વર્ષથી ચાલુ આ ગેરવહીવટ સામે રહીશો હવે ખુલ્લેઆમ અસંતોષ દર્શાવી રહ્યા છે.

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, “200 કરોડ રૂપિયાની આવક આપ્યા પછી પણ અમે સુવિધાઓથી વંચિત છીએ. રસ્તા, ગટર વ્યવસ્થા કે લાઈટિંગ જેવી મૂળભૂત જરૂરિયાતોમાં પાલિકાનો કોઈ હાથ દેખાતો નથી. અમને લાગે છે કે અમારા સાથે છેતરપિંડી થઈ રહી છે.”
જાહેર નારાજગી વધતા હવે માગ ઉઠી રહી છે કે મહાનગરપાલિકા તાત્કાલિક પગલાં લઈ બિલ ગામથી ભાયલી તરફના માર્ગને મરામત કરીને લોકોની મુશ્કેલીઓ દૂર કરે. જો સમયસર કામ નહીં થાય તો રહેવાસીઓ આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચીમકી પણ સાંભળવા મળી રહી છે.