Kalol

વેજલપુર પ્રીમિયમ લીગની ફાઈનલમાં હમઝા ઇલેવનનો દમદાર વિજય, એકે ઇલેવન સામે ખરાખરીનો જંગ

કાલોલ, તા. 09
વેજલપુર ખાતે માઇકો કંપનીની બાજુમાં આયોજિત પ્રીમિયમ લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં હમઝા ઇલેવન અને એકે ઇલેવન વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. વેજલપુર ગામની કુલ 8 ટીમોએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ફાઈનલ મેચમાં એકે ઇલેવનએ પ્રથમ બેટિંગ કરીને 98 રન બનાવ્યા હતા.
મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી હમઝા ઇલેવનની ટીમે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું અને ખરાખરીની લડાઈમાં 99 રન બનાવી ફાઈનલ મેચ પોતાના નામે કરી લીધી હતી. જીત સાથે જ હમઝા ઇલેવન પ્રીમિયમ લીગની વિજેતા બની હતી.
ફાઈનલની વિજેતા ટીમને વેજલપુર ગામના અર્પિત શેઠ દ્વારા સ્પોન્સર કરાયેલ ₹15,000ની રોકડ ઇનામ અને રનરઅપ ટીમ એકે ઇલેવનને ₹5,100ની રકમ સાથે બન્ને ટીમોને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. ઇનામ અને ટ્રોફીનું વિતરણ પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ તેમજ ગામના આગેવાનો નિશાંત શાહ, સલીમ કઠીયા, ફારૂક બગલી, હારુન ખડખડ, ઇમરાન બગલી, સતીશભાઈ શેઠ, મહેબૂબ જમાલ, ભુપેન્દ્રસિંહ ચૌહાણ, ચરણભાઈ, અક્રમ કઠીયા, મહેન્દ્રભાઈ શેઠ અને યાકુબ જમાલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ટૂર્નામેન્ટમાં હમઝા ઇલેવનના અમન પટેલે 61 રનની શાનદાર ઇનિંગ્સ રમીને બેસ્ટ બેટ્સમેનનો ખિતાબ જીત્યો હતો, જ્યારે સલમાન ખૂંધને બેસ્ટ બોલર તરીકે ટ્રોફી આપવામાં આવી હતી. ફાઈનલ મેચ જોવા માટે મેદાનમાં મોટી સંખ્યામાં દર્શકો ઉમટ્યા હતા. વિજય બાદ બન્ને ટીમોના ખેલાડીઓ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને જીતની ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top