સાઈનાથ મોબાઇલ અને નેશનલ મોબાઇલ દુકાન પર તપાસ
જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી
કાલોલ :
વેજલપુર વિસ્તારમાં મોબાઇલ ફોનની ખરીદી–વેચાણ કરતી દુકાનો દ્વારા ફરજિયાત વેચાણ રજીસ્ટર ન રાખવામાં આવી રહ્યું હોવાની માહિતી મળતા એસઓજી પોલીસે બે દુકાનો પર તપાસ ચલાવી કાર્યવાહી હાથ ધરી છે. મોબાઇલ વેચાણ રજીસ્ટર ગુનાહિત પ્રવૃત્તિઓમાં વપરાયેલા મોબાઇલ ફોનની ઓળખ માટે અત્યંત જરૂરી ગણાય છે.
એસઓજી પોલીસ સ્ટેશનના PSI બી.કે. ગોહિલ સ્ટાફ સાથે વેજલપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે માહિતી મળી હતી કે કેટલાક મોબાઇલ દુકાનદારો નવા–જુના ફોન વેચતી વખતે અનિવાર્ય રજીસ્ટર નથી રાખતા.
તપાસ દરમ્યાન વેજલપુર મેઈન બજારમાં સાઈનાથ મોબાઇલ દુકાનમાં દુકાનદાર નીલેશકુમાર મુકેશકુમાર જસવાણી રજીસ્ટર ન હોવાનું જણાવતા પોલીસે નોંધ લીધી. ત્યારબાદ એકતા બજારમાં નેશનલ મોબાઇલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં મનીષકુમાર જીતેન્દ્રભાઈ જસવાણી પણ નવા–જુના મોબાઇલ વેચાણનું રજીસ્ટર ન રાખતા હોવાનું સામે આવ્યું હતું.
જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થતાં બંને દુકાનદારો સામે બીએનએસ કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
એસઓજી દ્વારા ચાલી રહેલી આવી તપાસથી મોબાઇલનો ગેરકાયદેસર ઉપયોગ અટકાવવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ વધુ મજબૂત બન્યો છે.