ભાજપ સરકાર કાશી અને અયોધ્યા પછી હવે મથુરાનો આધુનિક પદ્ધતિએ વિકાસ કરવાની યોજના બનાવી રહી છે. આ યોજના અંતર્ગત ઉત્તર પ્રદેશ સરકાર વૃંદાવનમાં શ્રી બાંકેબિહારી મંદિરની આસપાસ એક ભવ્ય કોરિડોર બનાવવા માંગે છે, જ્યારે આ મંદિર સાથે સંકળાયેલા સેવાયત ગોસ્વામી સમુદાય કોરિડોરના નિર્માણનો વિરોધ કરી રહ્યા છે.સુપ્રીમ કોર્ટે હાલમાં સરકારની આ યોજનાને કાનૂની વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી મુલતવી રાખી છે,પરંતુ કોરિડોર પર ચાલી રહેલા વિવાદે મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળથી લગભગ દસ કિલોમીટર દૂર સ્થિત આ પ્રાચીન આધ્યાત્મિક અને ધાર્મિક શહેરને ચર્ચામાં લાવ્યું છે.
વૃંદાવનમાં યમુના નદીના કિનારે ઘાટ અને પરિક્રમા માર્ગથી નીકળતી ઘણી ગલીઓ પ્રાચીન શ્રી બાંકેબિહારી મંદિર સુધી પહોંચે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ કુંજ ગલીઓ છે, જ્યાં ભગવાન કૃષ્ણ તેમની લીલાઓ કરતા હતા.આ સાંકડી શેરીઓમાંથી ચાલીને દરરોજ હજારો ભક્તો શ્રી બાંકેબિહારી મંદિર પહોંચે છે. અહીં ઘણાં નાનાં મંદિરો અને જૂનાં મકાનો પણ આવેલાં છે. સ્થાનિક લોકોના મતે આ ફક્ત આ સાંકડી ગલીઓ શહેરની ઓળખ જ નથી પણ સદીઓથી ચાલી આવતો સાંસ્કૃતિક વારસો પણ છે.સ્થાનિક લોકોને ચિંતા છે કે જો પ્રસ્તાવિત કોરિડોર બનાવવામાં આવશે તો વૃંદાવનનું ઐતિહાસિક સ્વરૂપ બદલાઈ જશે. આના કારણે સ્થાનિક લોકોની દુકાનો અને મકાનો તોડી પાડવામાં આવશે અને આ જ કારણ છે કે મંદિરની આસપાસ રહેતાં લોકો આ કોરિડોરનો વિરોધ કરી રહ્યાં છે.મંદિરથી લગભગ ૧૫૦ મીટર દૂર ૧૦૦ વર્ષથી વધુ જૂના ઘરમાં રહેતી ૭૦ વર્ષીય નિમ્મી ગોસ્વામી કહે છે કે શ્રીકૃષ્ણે અહીં રાસ લીલા કરી હતી.
આપણે આ વ્રજને ભૂલી શકતા નથી.આ કોઈ સામાન્ય જગ્યાઓ નથી, પણ આ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી કુંજ ગલીઓ છે, જે હવે અદૃશ્ય થઈ રહી છે.જો કે, ઉત્તર પ્રદેશ સરકારનો તર્ક છે કે કોરિડોરના નિર્માણથી અહીંની વ્યવસ્થામાં સુધારો થશે અને ભક્તોને સુવિધાઓ મળશે. સ્થાનિક લોકોને ડર છે કે જો આ કોરિડોર અસ્તિત્વમાં આવશે તો વૃંદાવનની જૂની ઓળખ અને વારસો ખોવાઈ જશે. વળી કોરિડોર બનાવવા જૂનાં મંદિરો પણ તોડવામાં આવશે.
ઉત્તર પ્રદેશ બ્રજ તીર્થ વિકાસ પરિષદના સીઈઓ શ્યામ બહાદુર સિંહ કહે છે કે શ્રી બાંકેબિહારી મંદિર તરફ જતા રસ્તાઓ ખૂબ જ સાંકડા છે. દરરોજ ત્રીસથી પચાસ હજાર લોકો શ્રી બાંકેબિહારી મંદિરની મુલાકાત લે છે.સપ્તાહના અંતે લગભગ દોઢ લાખ લોકો અને તહેવારોના પ્રસંગે ત્રણ લાખથી વધુ લોકો શ્રી બાંકેબિહારી મંદિરની મુલાકાત લે છે. પ્રસ્તાવિત કોરિડોરથી ભાગદોડ જેવી પરિસ્થિતિઓ પણ અટકશે. હાલના રસ્તાઓ ભારે ભીડને સંભાળવા માટે અસમર્થ છે, ક્યારેક ભાગદોડની સ્થિતિ પણ બને છે. અહીં એક કોરિડોર બનાવવાની કલ્પના કરવામાં આવી છે. તેમાં પંદર હજાર લોકો ઊભાં રહી શકે તેવી જગ્યા, દુકાનો અને અન્ય સુવિધાઓ પણ હશે.
શ્રી બાંકેબિહારીની મૂર્તિ પહેલાં વૃંદાવનના નિધિ વનમાં હતી. ૧૮૬૪માં આ મૂર્તિ હાલના શ્રી બાંકેબિહારી મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી.આ વિવાદનું એક પાસું ૧૬૦ વર્ષથી વધુ જૂના આ મંદિરના સંચાલન અને માલિકીનો પ્રશ્ન છે. સદીઓથી આ મંદિરમાં સેવા આપતા અને તેનું સંચાલન કરતા સેવાયત ગોસ્વામી પરિવારો દાવો કરે છે કે આ મંદિર તેમનાં પૂર્વજો દ્વારા બનાવવામાં આવ્યું હતું.ગોસ્વામી સમુદાય વતી આ કોરિડોરનો વિરોધ કરી રહેલા રજત ગોસ્વામી કહે છે કે સરકાર કોરિડોરની આડમાં આ ખાનગી મંદિરને હસ્તગત કરવા માંગે છે.
કાયદાની આડમાં સરકાર મંદિરો પર કબજો કરવા માંગે છે અને પ્રાચીન સમયથી ચાલી આવતી પરંપરાઓ અને પ્રથાઓમાં દખલ કરવા માંગે છે.સ્વામી હરિદાસજીએ શ્રી બાંકેબિહારીની સેવા શરૂ કરી હતી. અમે તેમનાં વંશજો છીએ જે છેલ્લાં પાંચસો વર્ષથી પેઢી દર પેઢી ઠાકુર મહારાજ (ભગવાન શ્રી કૃષ્ણ) ની સેવા કરી રહ્યા છીએ.શ્રી બાંકેબિહારી મંદિરમાં સેવા આપતા ગોસ્વામી સમુદાયમાં ૪૦૦ થી વધુ લોકો સક્રિય છે અને તેઓ સ્વામી હરિદાસની ૨૧મી પેઢીના છે.
જો કે, ઉત્તર પ્રદેશ બ્રજ તીર્થ વિકાસ પરિષદનું કહેવું છે કે ભગવાન કૃષ્ણનું આ મંદિર કોઈની અંગત મિલકત નથી.સીઈઓ શ્યામ બહાદુર સિંહ કહે છે કે એવું સ્થાપિત થયું છે કે આ મંદિર દેવતા એટલે કે શ્રી બાંકેબિહારીનું છે. તેઓ તેના માલિક છે. જે મંદિરમાં દરરોજ પચાસ હજારથી વધુ લોકો દર્શન માટે આવે છે, તેને ખાનગી મંદિર કહેવું અતાર્કિક છે. બાંકેબિહારી કોઈ એક વ્યક્તિ કે જૂથના નથી, તેઓ સમગ્ર ભારતના છે. તેઓ શરૂઆતથી જ જાહેર શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યા છે.
ઉત્તર પ્રદેશ સરકારે મે ૨૦૨૫માં બાંકેબિહારી મંદિરના સંચાલન માટે ટ્રસ્ટ બનાવવા માટે એક વટહુકમ પસાર કર્યો હતો. આ વટહુકમની બંધારણીય માન્યતાને અલ્હાબાદ હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે.સુપ્રીમ કોર્ટે હાલમાં આ વટહુકમને અલ્હાબાદ હાઈકોર્ટના આ વિવાદ પર નિર્ણય આવે ત્યાં સુધી રોકી દીધો છે અને મંદિરના સંચાલન માટે ૧૪ સભ્યોની વચગાળાની સમિતિની રચના કરી છે, જેનું નેતૃત્વ નિવૃત્ત ન્યાયાધીશ અશોક કુમાર કરશે. આ વચગાળાની સમિતિમાં વહીવટીતંત્ર અને ગોસ્વામી સમુદાયના પ્રતિનિધિઓનો પણ સમાવેશ થાય છે.
પ્રસ્તાવિત કોરિડોરમાં શ્રી બાંકેબિહારી મંદિરથી યમુના કિનારા સુધી પાંચ એકર જમીન સંપાદિત થવાની છે. વહીવટીતંત્રનું કહેવું છે કે કોરિડોર માટે જે લોકોનાં ઘર અને દુકાનો સંપાદિત કરવામાં આવશે તેમને યોગ્ય વળતર આપવામાં આવશે.શ્યામ બહાદુર સિંહ કહે છે કે લગભગ ૧૮૭ બાંધકામો એવાં છે, જેમાં રહેતાં લોકોને ખસેડવામાં આવશે. તેમાં દુકાનદારો, મકાનમાલિકો અને ભાડૂઆતોનો સમાવેશ થાય છે.
જે લોકોને ખસેડવામાં આવશે તેમને મંદિર ભંડોળમાંથી યોગ્ય વળતર આપવામાં આવશે. જેમની દુકાનો ખાલી કરવામાં આવી રહી છે તેમને દુકાનો આપવામાં આવશે. જેમની પાસે રહેવા માટે ઘર નથી તેમના માટે નો પ્રોફિટ નો લોસના ધોરણે ઘરોની વ્યવસ્થા પણ ઓથોરિટી કરશે.જો કે, જેમનાં ઘરો અને દુકાનો તોડી પાડવામાં આવશે તેઓ કહે છે કે કોઈ પણ વળતર તેમના નુકસાનની ભરપાઈ કરી શકશે નહીં.
બાંકેબિહારી મંદિરની નજીક રહેતા સંતોષ શર્મા કહે છે કે જો અમને સો ગણું વળતર આપવામાં આવે તો પણ અમારા નુકસાનની ભરપાઈ થશે નહીં. અમે ભગવાન શ્રી કૃષ્ણની સામે રહીએ છીએ. જ્યારે પણ અમને એવું મન થાય છે, ત્યારે અમે ભગવાનનાં દર્શન કરીએ છીએ. અમારા માટે આ વ્રજ ભૂમિ પવિત્ર ભૂમિ છે. અમે દરરોજ ભગવાનની આરતી કરીએ છીએ. અહીં દરેક ઘરમાં મંદિરો છે. લોકો દૂર દૂરથી વ્રજમાં સ્થાયી થવા માટે આવી રહ્યાં છે અને અમને અમારી જમીન છોડવાની ફરજ પાડવામાં આવી રહી છે.
એંસી વર્ષથી વધુ ઉંમરનાં ઉષા ગોસ્વામી કહે છે કે અમારાં પૂર્વજો અહીં આખી જિંદગી રહ્યાં હતાં. અમે પણ અહીં જ રહેવા માંગીએ છીએ, પણ હવે અમને આ કુંજ ગલીઓમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. જો સરકાર કોરિડોર બનાવવા માંગતી હોય તો તે સરકારી જમીન પર બનાવો, અમને શા માટે દૂર કરવામાં આવી રહ્યા છે? સ્થાનિક દુકાનદાર મુન્ના લાલ મિશ્રાનો દાવો છે કે સરકારે તેમને દુકાનો ક્યાં આપવામાં આવશે અથવા કેટલું વળતર આપવામાં આવશે તે જણાવ્યું નથી. કોરિડોર વિશે હોબાળો મચી રહ્યો છે.
શ્રી બાંકેબિહારી મંદિરનાં બેંક ખાતાંઓમાં સેંકડો કરોડ રૂપિયા છે. સરકાર આ ભંડોળનો ઉપયોગ જમીન સંપાદન અને કોરિડોરના નિર્માણ માટે કરવા માંગે છે. આ વર્ષે મે મહિનામાં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને મંદિર ભંડોળમાંથી ૫૦૦ કરોડ રૂપિયા જમીન ખરીદવા અને કોરિડોર બનાવવા માટે વાપરવાની મંજૂરી આપી હતી. હાલમાં, સુપ્રીમ કોર્ટે તેના આદેશને સ્થગિત કરી દીધો છે.
સેવાયત ગોસ્વામીઓનો આરોપ છે કે સરકારની નજર મંદિરના ભંડોળ અને અહીં આવતી દક્ષિણા પર છે.વૃંદાવનમાં છ હજારથી વધુ મંદિરો છે. ઘણાં મંદિરો એવાં છે જ્યાં દીવા પ્રગટાવવાની પણ કોઈ વ્યવસ્થા નથી. શું સરકારે તે મંદિરોનો કબજો લઈ લીધો? શું સરકાર ફક્ત તે મંદિરો માટે જવાબદાર છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો આવે છે, જેમનાં ખાતાંમાં ત્રણસો કરોડ રૂપિયા છે? શું ઉત્તર પ્રદેશની સરકારની નજર આ ત્રણસો કરોડ રૂપિયા પર છે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.