તા.4-9-25ના ગુ.મિ.માં વિદ્વાન લેખક ડો. જયનારાયણ વ્યાસનો વિશ્વ આદિવાસી દિવસ વિશેનો લેખ સત્ય હકીકત બતાવનારો, દેશ અને દુનિયામાં આદિવાસીનો ઝંડો લઇને ચાલનારા દેશમાં આદિવાસીઓને ઊંધે રસ્તે દોરતા નેતાઓ માટે આંખો ખોલનારો બની રહેશે. જે બદલ લેખકશ્રી અને ગુ.મિ.ને ધન્યવાદ. અમેરિકા ખંડ શોધાયો તે પહેલાં ત્યાં દોઢેક કરોડ જેટલાં મૂળ નિવાસીઓ હતાં, જેમને આજે અમેરિકનો રેડ ઇન્ડિયન્સ કહે છે તેમને, લેખકે કહ્યું તેમ, ટી.બી., કોલેરા, શીતળા ટાઈફોઇડ જેવી ઘાતક બિમારીઓનો રોગ ધરાવતાં ધાબળાંઓ, કપડાં વહેંચી, ફરજિયાત ફકત ત્રણેક લાખ મૂળ નિવાસી બચ્યાં છે.
આ અમેરિકાનાં મૂળ નિવાસીઓ પોતાના પર થયેલા અત્યાચારો ભૂલી શકતા નથી.આથી અંગ્રેજોએ ઠોકી બેસાડેલ 9મી ઓગસ્ટને તેઓ અમેરિકા નરસંહાર દિન તરીકે મનાવે છે.આ દિવસે હજારો મૂળ નિવાસીઓ સંયુકત રાષ્ટ્રસંઘની ઓફિસની બહાર દેખાવો વર્ષોથી કરતા આવ્યા છે. અંગ્રેજોએ આપણા દેશનું વિભાજન કરી અને આપણા દેશમાં જંગલોનું સરકારીકરણ કરીને આદિવાસીઓના અધિકારો સમાપ્ત કરવાની સાથે સાથે તેમની આજીવિકા જ નહિ પણ આસ્થાઓ પર પણ ગંભીર પ્રહારો કર્યા છે.
આ અત્યાચારો પર ઢાંકપિછોડો કરવા માટે તેમણે ત્યાંનો 9મી ઓગસ્ટનો દિવસ વિશ્વ આદિવાસી દિવસ તરીકે આપણે માથે થોપ્યો છે. જેનો આપણા ગૌરવશાળી ઇતિહાસ સાથે નહાવા નિચોવવાનો સંબંધ નથી. આમ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનું કોઇ ઔચિત્ય બનતું નથી. દુ:ખની વાત એ છે કે એક તરફ ભાજપાપ્રેરિત કેન્દ્ર સરકાર અને ભાજપ સહિત રાજયોમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સરકારી સ્તરે થાય છે. જયારે સંઘ પરિવારમાં અન્ય સંગઠનો તેનો વિરોધ કરે છે. આ વિરોધાભાસ આશ્ચર્ય ઉપજાવે તેવો છે.
માછીસાદડા, મહુવા, સુરત – રમણભાઈ ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.