પાલિકા તંત્ર વન વિભાગ-મામલતદારની પણ મીલી ભગત કે રહેમ નજર?
લાખોના લાકડા ગેરકાયદેસર કાપીને બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ?

શહેર વચ્ચેથી પસાર થતી આશરે 25 કિલોમીટર લાંબી વિશ્વામિત્રી નદીને ઉંડી, પહોળી કરવા જંગલ કટીંગની કામગીરી શરૂ થતાં જ નાના-મોટા ભ્રષ્ટાચારની શરૂઆત થઈ ગઇ છે. વડોદરા કોર્પોરેશન દ્વારા નદી કિનારાની નિર્ધારીત જગ્યામાંથી માટી અને બાવળ જેવા જંગલી ઝાડી ઝાંખરા કાપી જવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોકોને છૂટ આપી છે. પરંતુ, વિશ્વામીત્રી નદી કિનારાના કલાલી, તલસટ સહિતના કેટલાંક ગામોના સત્તાવાળાઓ દ્વારા ગેરકાયદેસર રીતે લાકડા કાપી બારોબાર વેચી રહ્યા હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે.

પાલિકાના સૂત્રો દ્વારા જાણવા મળેલી માહિતી અનુસાર એક જાગૃત નાગરિકે વન વિભાગ અને ગ્રામ્ય મામલતદારને ફરિયાદ કરતા હડકંપ મચી ગયો છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત નદી કિનારા પર આવેલી 19 લાખ ઘન મીટર માટી અને 236 હેક્ટર જમીનમાંથી ઊગી નીકળેલ બાવળ, ઝાડી ઝાંખરા સ્વખર્ચે લઈ જવા માટે જાહેરાત કરવામાં આવી છે. કાયદા મુજબ આ કામગીરી કરવા માટે પાલિકાના વરસાદી ગટર વિભાગની મંજૂરી લેવાની હોય છે. પાલિકાની આ જાહેરાત બાદ કિનારા પર ના ગામોમાં વસતા લોકો દ્વારા પાલિકા દ્વારા આપવામાં આવેલી લાઈન દોરી કરતા વધારાની જગ્યામાંથી સેકડો લીલા વૃક્ષો કાપી નાખી ને વાહનોમાં રવાના કરી રહ્યા છે.લાખો રૂપિયાના લાકડાંઓ વેચીને ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું સપાટી પર આવી રહ્યુ છે.
તલસટ ગામના રહેવાસી રાકેશ જગદીશભાઈ ઠાકોરે વન વિભાગ અને ગ્રામ્ય મામલતદારને લેખિત ફરિયાદ કરીને આક્ષેપ સહ એવી તપાસની માગ કરી છે કે, ૧૯ માર્ચ સવારે ૧૦-૩૦થી ૧૨ વાગ્યાની વચ્ચે તેમના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે કલાલી ગામની હદમાં આવેલ ખેતરની બાજુવાળા ભાગ તરફ નદીના તટથી પહેલાવાળા વિસ્તારમાં કલાલી સ્મશાનથી ક્લાઉડનાઈન બિલ્ડિંગ સુધી
ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે તદ્દન બેરોકટોક થી લાકડા કાપવાનું કામ પૂર જોશ માં ચાલી રહ્યું હતું. આ અંગે તપાસ કરતા લગભગ ૧૧ માર્ચથી ચાલી રહ્યું છે.સ્થળ પર પહોંચી પૂછતાછ બાદ નજર કરતા ખુબ જ મોટા પ્રમાણમાં લીલાછમ વૃક્ષો કાપી નાંખ્યા હતા.
વધુમાં તેમણે એમ પણ જણાવ્યું છે કે, વિશ્વામિત્રી નદીના પટમાંથી અંદાજે ૧૫થી૨૦ જેટલા ટ્રેક્ટર લાકડા કેટલાક લોકોએ ભરીને અગાઉ વેચી નાખ્યા છે. મુળ રણુ ગામના એક વેપારીને રુબરુ મળતા જણાવ્યું હતું કે તમામ વૃક્ષો સરપંચેની સૂચના થી કાપવામાં આવ્યા છે.
ઠાકોરભાઈ એ પણ આક્ષેપ કર્યો હતો કે આ તમામ ઘટના અટલાદરા પોલીસની હાજરીમાં થઈ રહી હતી.માત્ર એક જ ટ્રેક્ટર લાકડા તલસટ સ્મશાન ખાતે પોલીસની હાજરીમાં ખાલી કરિને ૧૫થી ૨૦ ટ્રેક્ટરના લાકડા બારોબાર વગે કરી દીધા છે.તલસટ ગામના તલાટી હિતેશભાઇ પરમારે પણ લાકડાચોરીના ગુના અંગે સમર્થન આપતા જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદી પટમાં નડતરરૂપ અગણિત વૃક્ષો કાપવામાં આવ્યા છે. આ વૃક્ષોના લાકડાં પ્રજાના ઉપયોગ માટે ગામના સ્મશાનમાં મૂકવામાં આવ્યા છે.

