અગોરા મોલ પાછળની ઘટના; ટૂંક સમયમાં સર્ટેન બોટ ઍકશનમાં, મહિલા અગાઉથી ઓળખાતી નહોતી – રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ, પોલીસ અને ફાયર વિભાગ હાજર
શહેરના મધ્યમાં વહેતી વિશ્વામિત્રી નદીમાં બુધવારે સાંજે એક અજાણી મહિલાએ ભૂસકો મારતાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટના અગોરા મોલ પાછળની છે, જ્યાં સ્થાનિકોએ મહિલાને નજરે જોયા બાદ તરત જ પાલિકા કોર્પોરેટર ભાણજીભાઇ પટેલને જાણ કરી હતી. તેઓ સ્થળ પર દોડી આવ્યા અને ઘટના અંગે મ્યુનિસિપલ કમિશનરને જાણ કરતા ફાયર વિભાગની ત્રણ ટીમો તાબડતોબ પહોંચાડવામાં આવી હતી.
ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બદામડી બાગ અને વડીવાડી ફાયર સ્ટેશનનો સ્ટાફ સ્થળે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે. નદીનું પાણી વધતા અને વહેણ તેજ હોવાથી બે બોટ અલગ અલગ કિનારા પરથી શોધખોળ કરી રહી છે, જ્યારે સ્થાનિકોના માર્ગદર્શનથી ત્રીજી ટીમ પણ શોધ કામગીરીમાં જોડાઈ છે. મહિલાને બચાવવાના સ્થાનિકોના તમામ પ્રયાસો વિફળ રહ્યા હતા, કારણ કે મહિલાએ ફેંકાયેલી રસ્સી પકડી શકી નહોતી.
હાલ સુધી મહિલાની ઓળખ ખૂલેલી નથી અને પોલીસ સહિત તમામ કામગીરી સ્થળે ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ વ્યકતિ સંભવત: સ્થાનિક જ લાગે છે, પરંતુ તપાસ ચાલુ છે. સ્થળ પર લોકોના ટોળા એકત્રિત થયા છે અને રેસ્ક્યૂ ઓપરેશન હાલ પણ યથાવત છે.