આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરાઈ રહસ્ય અકબંધ :
પોલીસે મરનાર વ્યક્તિની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી





( પ્રતિનિધિ )વડોદરા,તા.22
વડોદરાના સયાજીબાગની પાછળ આવેલ નરહરિ હોસ્પિટલ પાસેના વિશ્વામિત્રી બ્રીજના કિનારે અજાણ્યા વ્યક્તિનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા શંકાના વાદળો ઘેરાયા છે. પોલીસે આ મામલે ઝીણવટ ભરી તપાસ હાથધરી છે.
વડોદરાના શહેરના નરહરી હોસ્પિટલ પાસે વિશ્વામિત્રી નદીના બ્રિજ નજીક લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. કોતરની ઝાડીઓ વચ્ચે છુપાયેલી હાલતમાં લાશ નજરે પડતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થયા હતા. સાથે વિશ્વામિત્રી નદીના કિનારે એક ગાય પણ મૃત હાલતમાં મળી આવી હતી. મૃત ગાયની લાશ પાણીમાં તણાઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં એસીપી સહિત સયાજીગંજ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ભીડ દૂર કરી લાશ બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરી હતી. બાદમાં મૃતદેહને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે ખસેડી મૃતક યુવકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ આ ઘટના બાદ મરનારે આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરાઈ તે અંગે રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.