વિશ્વામિત્રી બચાવો સમિતિએ જળ શક્તિ મંત્રીને લખ્યો પત્ર
પ્રતિનિધિ,વડોદરા, તા. 5
મળતી માહિતી મુજબ વિશ્વામિત્રી નદીની આસપાસ પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બાંધકામ થયાનો આક્ષેપ વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલને આ બાબતે પત્ર લખ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. વિશ્વામિત્રી નદીની આસપાસ પ્રતિબંધિત વિસ્તારમાં આશરે 50 લાખ ફૂટ જગ્યામાં પુરાણ કરી ગેરકાયદેસર રીતે બાંધકામ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કિનારાની કોતરોના પ્રતિબંધિત વિસ્તારમાં જમીનોમાં પુરાણ કરી ગેરકાયદે રહેણાંક ઝોનમાં ફેરવીને બાંધકામ કર્યું હોવાના આક્ષેપ સાથે નો પત્ર વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા લખવામાં આવ્યો છે. વિશ્વામિત્રી નદીને સાંકડી કરવામાં આવતા વડોદરા શહેરમાં થોડા વરસાદમાં પણ પૂરનું પાણી ભરાઈ રહે છે. જેથી, દબાણો દૂર કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા બનાવેલા અર્બન ડેવેલોપમેન્ટ પ્લાનમાં વિશ્વામિત્રી નદી કિનારાની બન્ને બાજુમાં આવેલી નીચાણવાળી જમીનોને પ્રતિબંધિત વિસ્તાર-1 તરીકે જાહેર કરવામાં આવેલી હતી. પ્રતિબંધિત વિસ્તાર-1ની જમીન જે લગભગ નદીનો ભાગ ગણાય અને આવી પ્રતિબંધિત વિસ્તાર-1 વાળી જમીન ઉપર બાગ-બગીચા સિવાય કોઈપણ પ્રકારની બાંધકામ પરવાનગી આપી શકાય નહીં અને મળી પણ શકે નહીં. વડોદરા શહેરમાં રહેણાંક મકાનોની ખૂબ માંગ વધી અને માંગ વધતા ભાવો પણ ખૂબ વધ્યા, જેથી, રાતોરાત ફૂટી નીકળેલા જમીન માફિયાઓએ કેટલાક સરકારી ઉચ્ચ અધિકારીઓ સાથે મેળાપીપણું કરીને ષડયંત્ર બનાવી, નદી માટેના પર્યાવરણના કાયદા કે કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના કાયદા ઉપરવટ જઈને વડોદરામાં વિશ્વામિત્રી નદી કિનારાની નીચાણવાળી આશરે 75 લાખ ફૂટ જમીનને પ્રતિબંધિત વિસ્તાર-1માંથી ફેરવીને રહેણાક વિસ્તારમાં જાહેર કરાવી.
વડોદરા શહેરના હરણી, સમા, સયાજીગંજ, અકોટા, તલસટ, ચિખોદ્રા, ચાપડ, કલાલી, વડસર જેવા વિસ્તારોમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કિનારાની પ્રતિબંધિત વિસ્તાર-1ની અંદાજે 50 લાખ ફૂટ જમીનોના ઝોન ફેર કરીને જમીન માફિયા બિલ્ડરોને રેસીડેન્સ અને કોમર્શીયલ વિસ્તારમાં ગેરકાયદે મોટો ભ્રષ્ટાચાર કરીને ફેરવી આપી છે. આમ, વિશ્વામિત્રી નદીની પહોળાઈને સાંકડી કરી દેવા માટે જમીન માલિકો, અને લાગતા વળગતા તમામ અધિકારીઓ ભેગા મળી પ્રતિબંધિત વિસ્તાર-1 વાળી ખુલ્લી કોતર જેવી નીચાણવાળી જમીનોને રહેણાંક ઝોનમાં ફેરવવા માટે આખું ષડયંત્ર રચાયું છે.
વિશ્વામિત્રી નદીની આસપાસ પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ ખડકાયા
By
Posted on