ભગવાન વિશ્વકર્માના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી: સાંજે ભવ્ય પાલખી યાત્રા અને મહાઆરતીનું આયોજન
વડોદરા: આજે મહાસુદ તેરસ એટલે કે સૃષ્ટિના સર્જક અને દેવોના શિલ્પી ભગવાન વિશ્વકર્માની જયંતી. આ અવસરે વડોદરા શહેરના વાડી ભાટવાડા વિસ્તારમાં આવેલા 75 વર્ષ જૂના ઐતિહાસિક વિશ્વકર્મા મંદિરે વહેલી સવારથી જ ભક્તો ભગવાનના દર્શન કરવા અને આશીર્વાદ લેવા ઉમટી પડ્યા હતા.

ઋગ્વેદમાં ભગવાન વિશ્વકર્માને સૃષ્ટિના રચયિતા અને દેવતાઓના આર્કિટેક્ટ માનવામાં આવે છે. વડોદરાના આ પ્રાચીન મંદિરમાં લોકોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. ભક્તોની એવી માન્યતા છે કે અહીં દર્શન કરવાથી અને માનતા રાખવાથી અધૂરા મકાન પૂરા થાય છે અને સંતાન પ્રાપ્તિ જેવી મનોકામનાઓ સિદ્ધ થાય છે. માત્ર જયંતી જ નહીં, પરંતુ દર અમાસે પણ અહીં ભક્તોની મોટી કતારો જોવા મળે છે.

મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિક ભક્તોના જણાવ્યા અનુસાર, જે લોકો બધી આશા છોડી દે છે, તેમના કામ ભગવાન વિશ્વકર્મા અહીં સિદ્ધ કરે છે. સમગ્ર દિવસ દરમિયાન વાડી વિસ્તાર ‘જય વિશ્વકર્મા’ના નાદથી ગુંજી ઉઠ્યો હતો.

વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો
વિશ્વકર્મા જયંતી નિમિત્તે મંદિર સમિતિ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું:
*દર્શનનો સમય: વહેલી સવારે 7:00 વાગ્યાથી રાતના 12:00 વાગ્યા સુધી ભક્તો માટે દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતા.
*પાલખી યાત્રા: બપોરે 4:00 વાગ્યે ભગવાન વિશ્વકર્માની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જે વાડી ભાટવાડાથી શરૂ થઈ ચોખંડી ચાર રસ્તા અને નાની સાર માર્કેટ થઈને પરત ફરી હતી.
*સેવાકીય પ્રવૃત્તિ: ઉત્સવની સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે મંદિરમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
*મહાઆરતી: દિવસના સમાપન પર રાત્રે 12:00 વાગ્યે ભવ્ય મહાઆરતી યોજાશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે.