Vadodara

વિદ્યાર્થીઓના પ્રશ્ને NSUI ફરી મેદાનમાં,પોલિટેક્નિક કોલેજ ખાતે કરાયું વિરોધ પ્રદર્શન

વિદ્યાર્થીઓને કેન્ટીન,લેબ સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા માંગ :

સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે નહીં તો આશ્ચર્યજનક રીતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી :

( પ્રતિનિધી )વડોદરા,તા.11

એમ.એસ.યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજની વિવિધ ફેકલ્ટીઓમાં સ્વચ્છતાનો અભાવ, લેબ સહિતના વિવિધ પ્રશ્ને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.ત્યારે આજરોજ વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી હતી અને જો વહેલી તકે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

એમએસયુની પોલિટેક્નિક કોલેજમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટ આવેલા છે. જ્યાં સરકારી અને હાયર પેમેન્ટના કોર્સ ચાલે છે. જેમાં તમામ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને છેલ્લા ઘણા સમયથી વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ખાસ કરીને જેમાં વિદ્યાર્થીઓ લેબ માટે જતા હોય ત્યારે કોમ્પ્યુટર લેબમાં કોમ્પ્યુટરની ખુબ અછત છે તેમજ લેબમાં ફક્ત થોડાક જ કોમ્પ્યુટર કાર્યરત છે. જેથી વિદ્યાર્થીઓ સારી રીતે તેમની કામગીરી કરી શકતા નથી.

એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, પોલિટેક્નિક કોલેજમાં તમે જોશો કે, ઠેર ઠેર કચરાઓના ઢગલા પડેલા છે. ભણવાના ક્લાસરૂમમાં એટલો બધો કચરો હોય છે કે કલાસરૂમ કચરારૂમ લાગતા હોય છે અને તેની નિયમિત સાફસફાઈ થતી નથી. સાથે સૌથી અગત્યની વાત એવી છે જ્યાં પોલિટેક્નિક કોલેજમાં જે આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટ આવેલું છે અને આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટ એ એક સેલ્ફ-ફાયનાન્સ કોર્સ છે. જેમાં વિદ્યાર્થીઓ પાસેથી ખુબ મોટા પ્રમાણમાં ફી વસૂલાતી હોય છે. પણ ત્યાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી નથી. ત્યાંના ડ્રોઈંગ બોર્ડની દશા એટલી બધી ખરાબ છે કે વિદ્યાર્થીઓ સારી રીતે તેમની શીટનું કામ કરી શકતા નથી.

આજ પ્રકારનો હાલ સિવિલ ડિપાર્ટમેન્ટનો છે. પોલીટેક્નીકનિક કોલેજમાં છેલ્લા ઘણા સમયથી કેન્ટીનની સુવિધાઓમાં પણ અભાવ જોવા મળી રહ્યો છે. જે ઘણા સમયથી બંધ છે. એવા અનેક મુદ્દાઓ છે. જેનાથી પોલીટેકના વિદ્યાર્થીઓની સુવિધાઓ પુરી પડી રહી નથી. NSUI ની માંગ છે કે, વહેલી તકે આ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે નહીં તો આવનારા સમયમાં NSUI ખુબ આશ્ચર્યજનક રીતે આંદોલન કરશે.

Most Popular

To Top