Charotar

વિદ્યાનગરમાં વૃદ્ધા પર હુમલો કરી અઢી લાખના દાગીના લૂંટી લીધા

વિદેશથી પરત આવેલા સિનીયર સીટીઝન પર હુમલાથી ચકચાર

અજાણ્યો 25થી 30 વર્ષના આશરાનો યુવક એકદમ ધસી આવી અંદરથી દરવાજો બંધ કરી હુમલો કર્યો

(પ્રતિનિધિ) આણંદ તા.16

વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલા મૌલેશ બંગ્લોઝમાં એકલા રહેતા 76 વર્ષિય વૃદ્ધા પર અજાણ્યા યુવકે હુમલો કરી તેમની પાસે રહેલા અઢી લાખના દાગીના લૂંટી ફરાર થઇ ગયો હતો. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વલ્લભ વિદ્યાનગરની યમુના પાર્ક સોસાયટીમાં મૌલેશ બંગ્લોઝમાં રહેતા સુદેવીબહેન જગદીશભાઈ પટેલ (ઉ.વ.76) અગાઉ સરદાર પટેલ યુનિવર્સિટીમાં નોકરી કરતાં હતાં. બાદમાં તેઓ વિદેશ સ્થાયી થયં હતાં. જ્યારે તેમના પતિ જગદીશભાઈ વી.પી. સાયન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે નિવૃત્ત થયાં હતાં. આ બન્ને પતિ – પત્ની નિવૃત્ત જીવન ગુજારતાં હતાં. આ દરમિયાન 14મી ઓક્ટોબરના રોજ સુદેવીબહેનના પતિ કામ અર્થે ડ્રાઇવર સાથે બહાર ગયાં હતાં. તે સમયે સુદેવીબહેન ઘરે એકલાં હતાં. સુદેવીબહેનના ઘરનો દરવાજો ખોલી બંધ કર્યો હતો. તે વખતે એક અજાણ્યો શખ્સ 25થી 30 વર્ષના આશરાનો  શ્યામ વર્ણ, પાતળા બાંધાનો, લીલા જેવા કલરનો શર્ટ અને જીન્સ પેન્ટ પહેરેલુ હતું. તેણે માથે ટોપી પહેરી હતી. તે એકદમ ઘરમાં આવી ગયા અને અંદરથી દરવાજો બંધ કરવા લાગ્યો હતો. આથી, સુદેવીબહેને આ શખ્સની પુછપરછ કરતાં તેણે પાણી પીવું છે. તેમ કહ્યું હતું. પરંતુ તેને ઘર બહાર જવાનું કહેતા તેણે અચાનક હુમલો કરી તેમને સોફા પર નાંખી દીધાં હતાં. બાદમાં લાફા મારી મોંઢા પર રૂમાલ બાંધી દીધો હતો અને સુદેવીબહેનના ગળામાંથી સોનાની ચેઇન પેન્ડલ સાથે કિંમત રૂ. એક લાખ, બન્ને હાથમાં પહેરેલી સોનાની બંગડી બે કિંમત રૂ. દોઢ લાખ ખેંચી કાઢી હતી. આ ઉપરાંત દોરીથી બન્ને હાથ ખેંચીને બાંધી દીધાં હતાં અને દુપટ્ટાથી દાદરની રેલીંગની થાંભલી સાથે સુદેવીબહેનના બન્ને હાથ બાંધી દીધાં હતાં. આશરે સાતેક વાગે તેમના પતિ જગદીશભાઈ ઘરે આવતાં તેઓ દ્રશ્ય જોઇને ચોંકી ગયાં હતાં. તેઓએ તાત્કાલિક સુદેવીના મોઢા ઉપરના રૂમાલ છોડતાં તેમણે સઘળી હકિકત જણાવી હતી.  આ અંગે સુદેવીબહેન પટેલે વિદ્યાનગર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે રૂ. અઢી લાખની લૂંટની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવાળીનો તહેવાર નજીક આવતા ચોરી લૂંટના બનાવો વધ્યાં

આણંદ શહેર – જિલ્લામાં દિવાળીના દિવસો નજીક આવતા જાય છે, તેમ લૂંટ અને ચોરીના બનાવો વધી રહ્યાં છે. હાલમાં તારાપુરમાં ટ્રેક્ટરના શો રૂમમાંથી 4.28 લાખની મત્તા ચોરાઇ હતી. તેવી જ રીતે પેટલાદમાં પણ ચોરી થઇ હતી. હજુ આ અંગે સ્થાનિક પોલીસ કોઇ ઉકેલ લાવે ત્યાં વિદ્યાનગરમાં એકલા રહેતા સિનીયર સીટીઝ પર હુમલો કરી અઢી લાખના દાગીનાની લૂંટ કરતા ચકચાર મચી ગઈ હતી.

Most Popular

To Top