Charotar

વિદ્યાનગરમાં વિદ્યાર્થિની પર દૂષ્કર્મ કરનારા શિક્ષકને 25 વર્ષની કેદ

ગુરૂ અને શિષ્યાના પવિત્ર સંબંધને લાંછન લગાડનારા શિક્ષકને સજા

કોમ્પ્યુટર વિષયમાં ઇન્ટરનલ માર્ક્સ વધુ આપવાની લાલચ આપી ઘરે ટ્યુશન દરમિયાન દૂષ્કર્મ ગુજાર્યું હતું

વિદ્યાનગરની આઈ.બી. પટેલ સ્કૂલના શિક્ષકે ટ્યુશન દરમિયાન વિદ્યાર્થિનીને કોમ્પ્યુટર વિષયમાં ઇન્ટરનલ માર્ક્સ વધુ આપવાની લાલચ આપી તેના પર પાંચ વખત દૂષ્કર્મ ગુજારનાર શિક્ષકને 25 વર્ષની કેદનો હુકમ કોર્ટે કર્યો છે.

વિદ્યાનગરની આઈબી પટેલ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દર્શન હર્ષદ સુથાર (ઉ.વ.47, રહે. લક્ષ્ય સેરફોન, વૈષ્ણવ ટાઉનશીપની બાજુમાં બાકરોલ) ખાનગી ટ્યુશન કરતો હતો. તે શાળાની જ ધો.10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના ઘરે ટ્યુશન માટે જતો હતો. આ સમયે વિદ્યાર્થિનીની એકલતાનો લાભ લઇ દર્શન સુથારે ધો.10ની બોર્ડની પરીક્ષામાં કોમ્પ્યુટરના પેપરમાં વધુ ઇન્ટરનલ માર્ક્સ આપવાની લાલચ આપી હતી. આ ઉપરાંત બોર્ડની પરીક્ષાના પેપર પોતે જ ચેક કરવાના હોવાથી પરીક્ષામાં પાસ નહીં કરે તેવી ધાક – ધમકીઓ આપી અલગ અલગ સમયે પાંચ વખત દૂષ્કર્મ ગુજાર્યું હતું. આ ઉપરાંત આ વાત કોઇને જાણ કરીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાંખીશ તેવી ધમકી પણ આપી હતી. આ અંગે વિદ્યાર્થિનીએ ઘરમાં જાણ કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં વિદ્યાનગર પોલીસે દર્શન હર્ષદ સુથાર સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી 2જી જૂન,2022ના રોજ તેની ધરપકડ કરી હતી. બાદમાં જરૂરી તપાસ કરી ચાર્જશીટ બનાવી કોર્ટમાં રજુ કર્યું હતું.

આ કેસ આણંદના સ્પેશ્યલ પોક્સો જજ અને એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકિલ એ.એસ. જાડેજાની દલીલ, 15 સાહેદ, 35 દસ્તાવેજી પુરાવા અને બચાવ પક્ષના સાહેદને ધ્યાને લઇ ન્યાયધિશે દર્શન હર્ષદ સુથારને દોષિત જાહેર કર્યો હતો અને 25 વર્ષ કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત અન્ય કલમમાં પણ સજા ફટકારી હતી. આ તમામ સજા એક સાથે ભોગવવા હુકમ કર્યો હતો. જ્યારે વિદ્યાર્થિનીને રૂ.4 લાખની વળતર ચુકવવા પણ જણાવ્યું હતું.

કઇ કલમ હેઠળ કેટલી સજા કરી ?

પોક્સો એકટ – 2012ની કલમ 6 મુજબ 25 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ.5 હજારનો દંડ. જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા.

આઈપીસી કલમ 377 મુજબના ગુનાના કામમાં 10 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ. ત્રણ હજારનો દંડ. જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા.

આઈપીસી કલમ – 506 (1) મુજબના ગુનાના કામે છ માસની સખ્ત કેદની સજા તથા રૂ. એક હજારનો દંડ. જો દંડની રકમ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા.

પોક્સો એક્ટની કલમ 8 મુજબ 2 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ. બે હજારનો દંડ. જો દંડની રકમ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા.

Most Popular

To Top