આણંદ જિલ્લાના વિદેશ વાંચ્છુઓના પાસપોર્ટ પર વિદેશના વિઝા સ્ટીકર લગાડી લાખો રૂપિયા ખંખેરાયાં
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે પેટલાદ અને આણંદના શખ્સને પકડી સાત પાસપોર્ટ કબજે કર્યાં
(પ્રતિનિધિ) આણંદ તા.19
આણંદ જિલ્લામાં વિદેશ વાંચ્છુઓને વિદેશ મોકલવા અવનવી તરકીબો બહાર આવતી રહે છે. તેમાં આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે વિદ્યાનગરથી પકડેલા બે શખ્સ પાસેથી સાત પાસપોર્ટ કબજે કર્યાં હતાં. જેના પર ખોટા બનાવટી વિદેશના વિઝા સ્ટીકર લગાડવામાં આવ્યાં હતાં. આ બન્ને શખ્સ વિદેશ વાંચ્છુ પાસેથી લાખો રૂપિયા લઇ આ સ્ટીકર લગાડી આપતા હોવાનું ખુલતાં પોલીસે બન્નેની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે, પેટલાદના કાઝીવાડામાં રહેતો મકસુદઅહેમદ કાઝી નામનો શખ્સ વિદેશ જવા માંગતા વ્યક્તિ પાસેથી મોટી રકમ મેળવીને ખોટા બનાવટી વિદેશના વિઝા સ્ટીકર પાસપોર્ટમાં લગાડી આપી ઠગાઇ કરી રહ્યો છે. હાલમાં આ શખ્સ કાર લઇ ખોટા બનાવટી વિઝા સ્ટીકર લગાડેલા પાસપોર્ટ સાથે વિદ્યાનગર આવ્યો છે. આ બાતમી આધારે એસઓજીએ જિલ્લા પોલીસ વડા જી.જી. જસાણીની સુચના અને માર્ગદર્શન મુજબ ટીમ બનાવી 18મી મેના રોજ વિદ્યાનગર ખાતે તપાસ હાથ ધરી હતી. જેમાં શંકાસ્પદ કાર મળતાં તેને કોર્ડન કરી લીધી હતી. આ ગાડીમાં બે શખ્સ સવાર હતાં. તેમની પુછપરછ કરતાં તે મકસુદઅહેમદ ઉર્ફે ઓવેસ ઉર્ફે અમન અમીનુદ્દીન કાઝી (રહે. પેટલાદ) અને બીજો શખ્સ નિલેશ વિનુ પટેલ (રહે. વ્યાયામશાળા રોડ, આણંદ, મુળ રહે. નાયકા, તા. ખેડા) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે કારમાં તલાસી લેતા અલગ અલગ નામ, સરનામાવાળા સાત પાસપોર્ટ મળી આવ્યાં હતાં. આ તમામ પાસપોર્ટમાં કેનેડાના વર્ક પરમીટ તેમજ ટુરીસ્ટર વિઝાના સ્ટીકર લગાડેલાં હતાં. જે તમામ વિઝા સ્ટીકર લગાડેલા પાસપોર્ટ કબજામાં રાખવા અંગે પુછતાં તેઓ વિઝા ઇમિગ્રેશનને લગતા કામકાજ કરતાં હોવાનું જણાવ્યું હતું. જ્યારે પાસપોર્ટમાં લગાડેલા તમામ કેનેડાના વિઝા સ્ટીકર બનાવટી હોવાનું મકસુદઅહેમદ કાઝીએ કબુલ્યું હતું. આ કેનેડાના વિઝા સ્ટીકર મકસુદઅહેમદે દિલ્હીથી ધર્મેશ ચિતરંજન પરવત (રહે. ડાંગરી મઠીયા, બિહાર) પાસેથી બનાવડાવ્યાં હોવાનું કબુલ્યું હતું. આ અંગે એસઓજીએ વિદ્યાનગર પોલીસ મથકે મકસુદઅહેમદ ઉર્ફે ઓવેસ ઉર્ફે અમન અમીનુદ્દીન કાઝી (રહે. પેટલાદ), નિલેશ વિનુ પટેલ (રહે. આણંદ) અને દિલ્હી ખાતેના ધર્મેશ ચિતરંજન પરવત સામે ગુનો નોંધી 1.25 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મકસુદઅહેમદ સામે અગાઉ બિલીમોરા, નરોડા અને માંજલપુર પોલીસ મથકે છેતરપિંડીનો ગુનો નોંધાયો હોવાનું પણ બહાર આવ્યું હતું.
એસઓજીએ કોના કોના પાસપોર્ટ કબજે લીધા ?
આણંદ એસઓજીએ મકસુદઅહેમદ અને નિલેશ પાસેથી સાત પાસપોર્ટ કબજે કર્યાં હતાં. જે મનિષાબહેન કેતનકુમાર પટેલ (રહે. નાયકા, ખેડા), પાર્થકુમાર હિતેશભાઈ પટેલ (રહે. નાના કલોદરા, ખંભાત), ગાયત્રીબહેન નિલેશકુમાર પટેલ (રહે.ગોકુલવાડી, આણંદ), કેતનકુમાર ભરતભાઈ પટેલ (રહે.નાયકા, ખેડા), પ્રિન્સ કેતનકુમાર પટેલ (રહે.નાયકા, ખેડા), નિલેશકુમાર વિનુભાઈ પટેલ (રહે.ગોકુલવાડી, આણંદ) અને મિષ્ટી કેતનકુમાર પટેલ (રહે. નાયકા, ખેડા)ના હોવાનું જણાયું હતું.