વિદ્યાનગરીની શરમજનક ઘટના | વિદ્યાર્થીની બર્થ ડે પાર્ટી નિમિત્તે દારૂની મહેફિલ મંડાણી
વિદ્યાનગરની નિષ્ઠા હોસ્ટેલના બીજા માળે પોલીસે દરોડો પાડ્યો
શિક્ષણક્ષેત્રે વિશ્વ પ્રસિદ્ધ વિદ્યાનગરની નિષ્ઠા હોસ્ટેલના બીજા માળે દારૂની મહેફિલ માણતા આઠ વિદ્યાર્થીને પોલીસે દરોડો પાડી પકડી પાડ્યાં હતાં. દારૂના નશામાં ચકચુર આ વિદ્યાર્થીઓ પોતાનું નામ પણ સરખી રીતે બોલી શકતાં નહતાં. પ્રાથમિક તપાસમાં ગ્રુપના જ એક વિદ્યાર્થીનો જન્મ દિવસ હોવાથી દારૂની મહેફિલ કરી હોવાનું ખુલ્યું હતું. આ અંગે પોલીસે આઠેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિદ્યાનગર પોલીસને બાતમી મળી હતી કે, મહેશ્વરી પેલેસ પાસે આવેલા નિષ્ઠા હોસ્ટેલના બીજા માળે આવેલા રૂમ નં.306માં દારૂની મહેફિલ ચાલી રહી છે. આ બાતમી આધારે વિદ્યાનગર પોલીસે ટીમ બનાવી 14મીની રાત્રે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં નિષ્ઠા હોસ્ટેલના બીજા માળે તપાસ કરતાં રૂમ નં.306નો દરવાજો અર્ધ ખુલ્લો હતો. જેથી દરવાજો ખોલી અંદર જતાં આઠ શખ્સ રૂમમાં હતાં અને એક ટેબલ વચ્ચેના ભાગમાં હતું. જેની ઉપર પડીકા, પાણીની બોટલ, સોડાની બોટલ તથા આઠ પ્લાસ્ટીકના ગ્લાસ ભરેલાં હતાં. આ ઉપરાંત વિદેશી દારૂની બોટલ સિલબંધ તથા અડધી ભરેલી મળી આવી હતી. આથી, પોલીસે કોર્ડન કરી આઠેય વિદ્યાર્થીની અટક કરતાં તેઓ નશામાં ચકચુર હતાં. તેમની આંખો લાલઘુમ હતી. શરીરનું સમતોલપણુ પણ જાળવી શકતાં નહતાં. મોંઢામાંથી તીવ્ર વાસ આવતી હતી. આથી, પોીસે સ્થળ પરથી દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કરી આઠેય ની ધરપકડ કરી હતી. પ્રાથમિક પુછપરછમાં આ આઠેય મિત્રો વિદ્યાર્થી છે અને તેઓ કશ્યપના જન્મ દિવસ નિમિત્તે પાર્ટી કરી હતી. આ અંગે કોન્સ્ટેબલ મિલનસિંહની ફરિયાદ આધારે વિદ્યાનગર પોલીસે આઠેય સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એમ. જુજાને સોંપવામાં આવી છે.
દારૂની મહેફિલમાં કોણ કોણ પકડાયું ?
– કશ્યપ રાકેશકુમાર સેવક (હાલ રહે. વાસદ, મુળ રહે. લુણાવાડા)
– તિર્થ રાકેશકુમાર સેવક (હાલ રહે. વાસદ, મુળ રહે. પાંડવા, તા. બાલાસિનોર)
– વ્રજ વિનયકુમાર ગજજર (રહે. અભિષેક એપાર્ટમેન્ટ, આણંદ)
– દિવ્યરાજસિંહ હિતેન્દ્રસિંહ ડોડીયા (રહે.ધોળકા)
– સૌરભ જયેશકુમાર સેવક (હાલ રહે. વાસદ, મુળ રહે. ખાનપુર, જિ. મહીસાગર)
– રીકી મનસુખ ચાવડા (હાલ રહે. નિષ્ઠા હોસ્ટેલ, મુળ રહે. વઢવાણ, તા. સુરેન્દ્રનગર)
– સૌરભગીરી પ્રકાશગીરી ગોસાઇ (હાલ રહે. કચ્છ વાગડ હોસ્ટેલ, વિદ્યાનગર, મુળ રહે. લુણાવાડા, જિ. મહિસાગર)
– હિતેન લવજી સોલંકી (રહે. નિષ્ઠા હોસ્ટેલ, વિદ્યાનગર. મુળ રહે.મોટી માલવાણ, તા.ધ્રાગંધ્રા, જિ. સુરેન્દ્રનગર)