Vadodara

વિદ્યાનગરના હરિઓમનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ

લોખંડની પાઇપ, લાકડી સહિત હથિયારો સાથે સામસામે તુટી પડ્યાં

સામસામે પથ્થરમારો કર્યો, પોલીસે સ્થળ પર પહોંચી સ્થિતિ કાબુમાં લીધી

(પ્રતિનિધિ) આણંદ તા.14

વિદ્યાનગરના હરિઓમનગરમાં પાણીની ટાંકી સામે બે જુથ વચ્ચે બોલાચાલી બાદ અથડામણ થઇ હતી. જેમાં બન્ને જુથ સામસામે લોકડી, લોખંડની પાઇપ લઇ એકબીજા પર તુટી પડ્યાં હતાં. આ ઉપરાંત સામસામે પથ્થરમારો પણ કર્યો હતો. આ ઘટનામાં બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવની જાણ થતાં વિદ્યાનગર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જેથી ભેગા થયેલા ભરવાડ શખ્સો બે બાઇક અને એક્ટિવા મુકીને ભાગી ગયાં હતાં.  આ અંગે વિદ્યાનગર પોલીસે બન્ને પક્ષે ગુનો નોંધ્યો હતો.

વિદ્યાનગરના હરિઓમનગરમાં રહેતા અશોક નવીનભાઈ ઠાકોરે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા મિત્ર ધવલ ઉર્ફે બોબો ગોપાલ માછીને 13મી સપ્ટેમ્બરની રાત્રે ઘનશ્યામ વિઠ્ઠલ ભરવાડ, જગમલ ઉર્ફે જોરૂ આલા ભરવાડ, ગોપાલ ઘનશ્યામ ભરવાડ, સુનીલ ઘનશ્યામ ભરવાડ અને અજય હરિ ભરવાડ તથા બીજા પાંચેક શખ્સો સાથે ઝઘડો થયો હતો. આ અંગે ધવલને પુછતાં તેણે જણાવ્યું હતું કે, ઘનશ્યામ ભરવાડ અવાર નવાર હરિઓમનગરમાં આવે છે. આથી તેને પુછતાં ઝઘડો થયો છે અને તેણે અન્ય શખ્સોને બોલાવ્યાં છે. આ ઝઘડામાં ઘનશ્યામ ભરવાડે લોખંડની પાઇપ ધવલના માથામાં મારી દેતા ગંભીર ઇજા પહોંચી હતી. આ ઉપરાંત જગમલ ઉર્ફે જોરૂ આલા ભરવાડે પણ ધવલને લોખંડની પાઇપ ફટકારી હતી. જ્યારે અન્ય ભરવાડ શખ્સોએ લાકડીથી મારમાર્યો હતો. જોકે, કિશને અન્ય મિત્રોને બોલાવતાં બન્ને જુથ સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. આ અંગે વિદ્યાનગર પોલીસે ઘનશ્યામ વિઠ્ઠલ ભરવાડ, જગમલ ઉર્ફે જોરૂ આલા ભરવાડ, ગોપાલ ઘનશ્યામ ભરવાડ, સુનીલ ઘનશ્યામ ભરવાડ અને અજય હરિ ભરવાડ સામે ગુનો નોંધ્યો હતો.

સામાપક્ષે જોરૂ આલાભાઈ ભરવાડે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા કાકા ઘનશ્યામ વિઠ્ઠલભાઈ ભરવાડને 13મીની રાત્રે હરિઓમનગરમાં રહેતા ધવલ ઉર્ફે બોબો માછી સાથે ઝઘડો થયો હતો. ધવલ અવાર નવાર હરિઓમનગરમાં કેમ આવો છો ? તેવુ કહી ઝઘડો કર્યો હતો. આ ઉપરાંત ફોન કરીને તેના મિત્રો ગોપાલ, સુનીલ અને અજયને બોલાવ્યાં હતાં. આ શખ્સો લાકડી, લોખંડની પાઇપ સાથે હુમલો કર્યો હતો. બાદમાં એકદમ પથ્થરમારો કર્યો હતો. જેમાં ઘનશ્યામ, ગોપાલ, સુનીલ અને અજયને પણ પથ્થર વાગ્યાં હતાં. જોકે, પોલીસ આવતાં બધા ભાગી ગયાં હતાં. આ હુમલામાં ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે વિદ્યાનગર પોલીસે કિશન ચીમન ઠાકોર અને ધવલ ઉર્ફે બોબો માછી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top