કેનેડા–યુએસએની યુનિવર્સિટીમાં ફી ભર્યાની ખોટી રસીદો આપી વિદ્યાર્થીઓને છેતર્યા હતા
હરણી અને છાણી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ ઉપરાંત સુરતના એક વિદ્યાર્થી પાસેથી પણ આ રકમ ઉઘરાવવામાં આવી
વડોદરા, તા.27
વડોદરામાં વિદેશી અભ્યાસ માટે ફી ભરવાના બહાને રૂપિયા 55 લાખથી વધુ રકમ પડાવનાર ઠગને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. હરણી અને છાણી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ ઉપરાંત સુરતના એક વિદ્યાર્થી પાસેથી પણ આ રકમ ઉઘરાવવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આરોપીએ કેનેડા તથા યુએસએની યુનિવર્સિટીમાં ફી ભરી આપવાની ખાતરી આપી વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમ લીધી હતી. વિશ્વાસ બેસાડવા માટે બનાવટી રસીદો પણ આપવામાં આવી હતી. જોકે હકીકતમાં કોઈપણ વિદેશી કોલેજમાં ફી ભરવામાં આવી ન હતી.
આરોપી વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી બાલાજી કોમ્પ્લેક્ષમાં “ખુશી ફાઇનાન્શિયલ સોલ્યુશન” નામે ફોરેક્સ પેમેન્ટની ઓફિસ ચલાવતો હતો. વિજયકુમાર પરમાર અને તેના સાગરીતો દ્વારા જુદા-જુદા વ્યક્તિઓ પાસેથી ફી પેટે કુલ રૂ.55 લાખથી વધુ રકમ વસૂલવામાં આવી હતી.
ફી ભરાઈ હોવાનું માનીને કેટલાક વિદ્યાર્થીઓ વિદેશ ગયા હતા, પરંતુ કોલેજની ફી ન ભરાઈ હોવાથી તેમને ત્યાં રહેવાની મંજૂરી ન મળતા પરત ભારત મોકલી દેવાયા હતા. ત્યારબાદ એજન્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો કોઈ ફોન રિસીવ ન થતા ઠગાઈ થઈ હોવાનું સ્પષ્ટ બન્યું.
આ મામલે છાણી અને હરણી પોલીસ સ્ટેશન ઉપરાંત સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે મુખ્ય આરોપી વિજયકુમાર પરષોત્તમ પરમાર (રહે. આર્ય ઇલાઇટ-02, અટલાદરા) હાલ ભાયલી ફાટક નજીક કૃષ્ણા વાટિકા ફ્લેટમાં રહે છે. આ આધારે ક્રાઈમ બ્રાન્ચે રેડ કરીને તેને દબોચી લીધો છે.
ઝડપાયેલા આરોપીને આગળની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરીને અન્ય સંડોવાયેલા આરોપીઓ અને રકમના વહેવાર અંગે તપાસ ચાલુ છે.