અરુણ મહેશ બાબુના આગમન પછી વિકાસ કામોની દરખાસ્તો અટવાઈ
છેલ્લા ત્રણ મહિનામાં રૂ. 1244 કરોડની દરખાસ્તો મંજૂર થયા બાદ નવી કામગીરી અટકી, સમિતિ સમક્ષ નવી દરખાસ્તો નહીં આવતાં તંત્રમાં સંકલનના અભાવની ચર્ચા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા કમિશ્નર અરુણ મહેશ બાબુએ 15 એપ્રિલ 2024ના રોજ ચાર્જ સંભાળ્યો ત્યારબાદ શહેરના વિકાસકાર્યોમાં એક અપ્રત્યક્ષ બ્રેક લાગી ગઈ છે. અગાઉના ત્રણ મહિનાની અંદર સ્થાયી સમિતિ સમક્ષ રૂ. 1244.14 કરોડના કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેને મંજૂરી પણ મળી હતી. પરંતુ અરુણ મહેશ બાબુના ચાર્જ સંભાળ્યા પછીથી એક પણ મોટી વિકાસકાર્યની દરખાસ્ત સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી નથી. આ મુદ્દે કોર્પોરેશનના આંતરિક વર્તુળોમાં ચર્ચાઓ જોર પકડતી થઇ છે. વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા કામોની દરખાસ્ત તૈયાર કરીને કમિશ્નર સુધી પહોંચાડવામાં આવી હોવાની માહિતી મળી છે, પણ ત્યાંથી આગળની પ્રક્રિયા થતી નથી. આના પગલે સવાલો ઊઠી રહ્યા છે કે શું કમિશ્નર સ્તરે તંત્ર કાર્યરત નથી કે પછી પદાધિકારીઓ અને કમિશ્નર વચ્ચે સંકલનનો અભાવ કામમાં વિલંબનું કારણ બની રહ્યો છે?
સ્થાયી સમિતિમાં દરખાસ્તો ન આવવાથી શહેરના નવા વિકાસકાર્યો, માળખાગત સુવિધાઓ અને જનહિતના મુદ્દાઓ અટવાઈ રહ્યા છે. પરિણામે અલગ અલગ વિભાગ દ્વારા તૈયાર કરાયેલી દરખાસ્તો અટવાઈ ગઈ છે અને મહત્વપૂર્ણ કામગીરી અટકી પડી છે. આ સ્થિતિની પાછળ કોઈ નીતિગત ફેરફાર છે કે પછી નવા કમિશ્નર દ્વારા કામની પદ્ધતિમાં બદલાવ કરવામાં આવ્યો છે, તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઇ નથી. જોકે અધિકારીઓમાં થઈ રહેલા ગણગણાટ મુજબ, અનેક દરખાસ્તો તૈયાર થયેલા હોવા છતાં તેમનો અંતિમ નિર્ણય લેવામાં વિલંબ થતો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે વોર્ડના કોર્પોરેટરો અને પદાધિકારીઓ પણ તંત્ર પર દબાણ કરી રહ્યા છે કે નાગરિકોની જરૂરિયાત મુજબ તત્કાલ કામગીરી શરૂ થાય. શહેરના વિકાસમાં અવરોધ ન આવે તે માટે પદાધિકારીઓ અને કમિશ્નર વચ્ચે સંવાદ અને સંકલન જરૂરી બની ગયું છે. આમ, હાલની સ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે વહીવટીતંત્રમાં કોઇક સ્તરે સમન્વયનો અભાવ છે જેને કારણે શહેરના વિકાસ માટે જરૂરી પગલાં લેવામાં વિલંબ થઈ રહ્યો છે.